વલસાડ: હવામાન વિભાગની આગાહીને સાચી ઠેરવતા વલસાડમાં છેલ્લા ત્રણ દિવસ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ 4.12 ઇંચ, ધરમપુર 4.48 ઇંચ, પારડી 6.64 ઇંચ, કપરાડા 10.30 ઇંચ, ઉમરગામ 3.52 ઇંચ અને વાપીમાં 3.4 ઇંચ વરસાદ નોધાયો છે.
સૌથી વધુ કપરાડામાં વરસાદ: 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં નોધાયો છે. કપરાડામાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાય ગયા છે. કુલ 77 જેટલા ગ્રામીણ કક્ષાના માર્ગો બંધ થઇ જતા વાહન-વ્યવહાર ઠપ્પ થઇ જવા પામ્યો હતો.
મધુબન ડેમની સ્થિતિ: વલસાડ જીલ્લામાં પડી રહેલા વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદ નોધાયો છે. જેને પગલે દમણગંગા નદી ઉપર બનેલા મધુબન ડેમમાં પાણીની વ્યાપક આવક નોધાઇ છે. ડેમની સ્થિતિની વાત કરીએ તો હાલ ડેમની સપાટી 71.25 મીટર પર પહોંચી ગઈ છે. દર કલાકે પાણીની આવક 43935 કયુસેક જેટલી થઇ રહી છે. જયારે આઉટ ફલો 51394 કયુસેક પાણી દર કલાકે 10 દરવાજા ડેમના દોઢ મીટર સુધી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
લોકોને હાલાકી: વલસાડ જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગમાં આવતા 77 થી વધુ માર્ગો ઉપર બનેલા ચેક ડેમ કમ કોઝવે ઉપર ઓવર ટોપિંગને કારણે પાણી ચડી જતા માર્ગો બંધ થયા છે. વાહન વ્યવહાર બંધ છે. 21 માર્ગ વલસાડ તાલુકાના, 8 માર્ગો ઉમરગામ તાલુકાના, 13 ધરમપુર તાલુકાના, 5 માર્ગ કપરાડા તાલુકાના હાલ વરસાદી પાણી ચડી જતા બંધ હાલતમાં છે. જેને પગલે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
વાહન ચાલકોને મુશ્કેલી: કપરાડા ગ્રામ પંચાયત અને પોલીસ મથકની સાથે નાસિક કપરાડા હાઇવે પર મુખ્ય માર્ગમાં ઢીચણ સુધીના પાણીનો ભરાવો થતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. નાશિકથી આવતા ભારે વાહનો વરસાદી પાણીમાંથી પસાર થયા હતા. કેટલાક વાહનો પાણીમાં અધવચ્ચે બંધ થઇ જતા ધક્કા મારવાની પણ ફરજ પડી હતી.
ભારે વરસાદની આગાહી: આમ વલસાડ જીલ્લામાં પણ હજુ 24 કલાક ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેને પગલે વહીવટી તંત્ર સજ્જ છે અનેક કોઈ અનિચ્છનીય ઘટના બને તે માટે તકેદારી રાખી રાખ્યું છે.