વાપી નજીકથી વહેતી બીલખાડીમાં છેલ્લા કેટલાક સમયથી કાળા અને ગુલાબી રંગનું પાણી વહી રહ્યું છે. આ પાણી ચોમાસા દરમ્યાન નજીકના ખેતરોને નુકસાન કરતું હોય છે. ખરાબ પાણીના કારણે વિસ્તારના પશુઓ પણ બીમાર પડે છે. આ અંગે એક સ્થાનિક ખેડૂતે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ખેડૂતને જાણવા મળ્યું કે, મોરાઈ પાસે બીલખાડીની પાસે આવેલી વેલસ્પન અને આલોક કંપનીના વેસ્ટ વોટરમાંથી જ કાળા અને ગુલાબી કલરનું પાણી નીકળી રહ્યું છે. આ અંગે તેમણે તાત્કાલિક GPCBને જાણ કરી હતી.
GPCBની ટીમે તાત્કાલિક ધોરણે કંપની પાસે આવેલી બીલખાડીમાં ઉતરી પાણીના સેમ્પલ લીધા હતાં. જેમાં સ્પષ્ટ થયું હતું કે, ગુલાબી રંગનું પાણી વેલસ્પન કંપનીમાંથી અને કાળું પાણી આલોક કંપનીના ઓઇલ ટેન્કમાંથી લીકેજ થતું હતું. આ અંગે GPCBએ બંન્ને કંપનીને લીકેજ બંધ કરવા તાકીદ કરી હતી.
આ પાણીના કારણે થતા નુકસાન અંગે ફરિયાદ કરનાર ખેડૂત રીકેન પટેલે જણાવ્યું હતું કે, આ પાણી ખેતમાં ઘૂસે છે. અને આંબા-ચીકુના ઝાડ ઉપરાંત અન્ય પાકને નુકસાન કરે છે. અમે છાસવારે રજૂઆત કરીએ છીંએ. દર વખતે GPCB સેમ્પલ લઈ જાય છે. પરંતુ, ક્યારેય પણ સેમ્પલનો રિપોર્ટ જાહેર કરાતો નથી. જો આ પાણી નુકસાનકારક નથી તો કાળું કેમ છે? કેમ અમારા ઝાડ મુરઝાઈ જાય છે? વગેરે જેવા સવાલો ઉઠાવ્યા હતા.
આ સમગ્ર મામલે 4 કલાક મહેનત કરનાર GPCBના અધિકારીઓ અને બંન્ને કંપનીના મેનેજરોએ કેમેરા સામે કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. નવાઈની વાત તો એ હતી કે, બંન્ને કંપનીના પાણી અને પાણીની પાઇપલાઇન અલગ અલગ હોવા છતાં બંન્નેએ ઓળીયો ઘોળીયો અન્ય કંપનીઓ પર નાખ્યો હતો. જેથી, આ અંગે વધુ તપાસ કરવા GPCBના અધિકારીઓએ સ્થળ ઉપર જ બંન્ને કંપનીને નોટિસ ઓફ એન્ટ્રી ફટકારી હતી. તથા પાણીના સેમ્પલની તપાસ કરવા માટે GPCBના અધિકારીઓ પાણી પોતાની સાથે લઇ ગયા હતા.