પારડીની ગીતાંજલી પેપર પ્રોડક્ટમાં ભીષણ આગ
આગને પગલે લોકોમાં ભયનું વાતાવરણ
પાંચ જેટલા ફાયરના વાહનો ઘટના સ્થળ પર
આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ
વલસાડ: પારડીના બાલદા ખાતે આવેલા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગીતાંજલી પેપર પ્રોડક્ટ કંપનીમાં શનિવારના સવારે કોઇ અગમ્ય કારણસર આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. પેપર પ્રોડક્ટ્સ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે આસપાસના વિસ્તારમાં મુકેલો અનેક માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
આ આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી જોવા મળી રહી હતી. મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની બની ન હતી, પરંતુ ભીષણ આગને કારણે સંચાલકો દ્વારા પોલીસને તેમજ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ફાયરના પાંચ જેટલા વાહનો ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી આગને કાબૂમાં લેવા માટે કવાયત હાથ ધરી હતી.
મહત્વનું છે કે, જીઆઇડીસી વિસ્તારમાં આવેલી આ કંપનીમાં આગને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ શું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી.