કપરાડાના કોલવેરા ડુંગરમાંથી નીકળતી કોલક નદીમાં કપરાડાના ગામોમાં 8 ઇંચ જેટલો જંગી વરસાદને કારણે ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદી ઉપર બનેલા અનેક નાના બ્રીજ ઉપરથી પાણી ફરી વળતા અનેક ગામોના સંપર્ક કપાયા હતા. કપરાડાના સીલ્ધા માર્ગ અને બુરલા માર્ગ બંધ થઈ ગયો હતો. તો આગળ ચાલતા અરનાલા પાટી બ્રિજ ઉપર પાણી ફરી વળતા સંપર્ક કપાયો હતો.
અંભેટી ગામે રાઈ ફળીયા બ્રીજ ઉપર પાણી ફરી વળ્યું હતું. કોલક નદીના આસપાસના ગામોમાં જ્યા નદીનાળા ભરાઇ જતા મુખ્ય માર્ગ ઉપર પણ ઢીંચણ સમા પાણી ફરી વળ્યા હતા. અંબાચ અને પંડોર ગામેથી વાપી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ઢીંચણ સમા પાણી ફરી વળતા રાહદારી અને વાહનચાલકોને વરસાદી પાણીમાં જીવના જોખમે પસાર થવાની ફરજ પડી હતી. નદી કિનારે આવેલા વિસ્તારમાં આવેલ આંબાવાડીઓમાં વરસાદી પાણી ફરી વળતા આંબાવાડીઓ તળાવમાં બદલાઇ ગઇ હતી.