કપરાડા તાલુકામાં ગઈ કાલે પડેલા મુશળધાર વરસાદે અનેક જગ્યા એ તારાજી સર્જી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા. કપરાડાના કરચોન્ડ ગામે પાસેથી વહેતી તુલસી નદીમાં ઘોડાપુર આવતા કેતકી અને ઉમલી ગામને જોડતો બ્રિજ ડુબી ગયો હતો. જેથી આ ગામો વચ્ચે સંપર્ક કપાઈ ગયો હતો. પાણી ઓસરી ગયા પછી નદીના બ્રિજને નુકસાન થયુ હોવાનુ માલૂમ પડયુ હતું. લાખો રુપિયાના ખર્ચે બ્રિજનું રિપેરીંગ થયુ હતું પરંતુ તકલાદી કામગીરીના કારણે બ્રિજ ઘોવાઈ ગયો હતો.
મહત્વની વાત એ છે કે, કેતકી અને ઉમલી ગામના લોકોને માટે આ એક બ્રિજ જીવાદોરી સમાન છે. ગામના બાળકો બ્રિજ ક્રોસ કરીને કરચોન્ડ ગામે સ્કૂલમાં અભ્યાસ અર્થે જાય છે. મંગળવારે બ્રિજ ધોવાઈ ગયા બાદ અહીંથી રાહદારીઓને પણ નીકળવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલીક બ્રિજનું સમારકામ કરી વાહનોની અવર-જવર શરુ કરાવામાં આવે તેવી માગ કરાઈ છે.