- વલસાડમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની રેલમછેલ
- ભિલાડ પોલીસે પકડેલા 16 નબીરાઓમાં યુવતીઓ પણ સામેલ
- કુલ રૂપિયા 33.78 લાખનો મુદ્દામાલ ઝડપાયો
વલસાડ: 24મી ઓક્ટોબરે રાત્રે સાડા અગિયાર વાગે પોલીસને બાતમી મળી હતી કે, વલવાડા ગામના દેસાઈ ફળિયામાં આવેલા પ્રેમકુંજ નામના બંગલામાં કેટલાક પૈસાદાર નબીરાઓ યુવતીઓ સાથે દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે ભિલાડ પોલીસ મથકના PSI રાજદીપસિંહ વનારના માર્ગદર્શન હેઠળ પોલીસે પ્રેમકુંજ બંગલામાં રેડ પાડી 16 નબીરાઓની ધરપકડ કરી હતી. જેમાં યુવતીઓ પણ સામેલ છે.
તમામ યુવકો વગદાર વેપારીઓના નબીરા
પોલીસે કાર્યવાહીમાં 5 મોંઘીદાટ કાર, 16 મોંઘા મોબાઈલ, બિયર-દારૂની બોટલો સહિત કુલ રૂપિયા 33.78 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રેમકુંજ બંગલામાં ચાલતી દારૂની મહેફિલમાં ઝડપાયેલા આ તમામ યુવકો પૈસાદાર વણિક પરિવારના હોવાનું અને ઝડપાયા બાદ વાપી, વલસાડ, ભિલાડના વગદાર વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં ધામા નાખી તમામ આરોપીઓના જામીન મંજુર કરાવી મામલાને રફેદફે કરવાની પણ કોશિશ કરી હતી. જો કે પોલીસે આખરે કાયદાનો સિકંજો કસી કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા આરોપીઓમાં બર્થ ડે બોય કુંજ ગોપાલ માહેશ્વરી, દેવમ શાહ, અમન રાય, હર્ષ શાહ, હર્ષ શેઠ, આરુષ ઓલ્હાન, ઉમંગ નાનપરા, નિરલ જોશી, વાસવ શાહ, પવન અગ્રવાલ, આશુતોષ મહેતા, અને પાંચ જેટલી યુવતીઓનો સમાવેશ થાય છે.