- ભિલાડના ઇજ્જુ શેખ સામે પોલીસ ફરિયાદ
- 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો હતો ઇજ્જુ શેખ
- મતદાનના દિવસે ફોન પર આપી ધમકી
વલસાડ: 28 ફેબ્રુઆરીએ એક શખ્સને મતદાન કરતા રોકી તેના પર ભાજપને ટેબલ પહોંચાડવાની શંકા રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ભિલાડ પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ ધનોલી-ભિલાડના નામચીન ઇજ્જુ શેખ વિરુદ્ધ હોવાથી પોલીસે તાત્કાલિક ધોરણે ઇજજુની ધરપકડ કરી અન્ય આરોપી અજય મૌર્યની ધરપકડ કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઇજ્જુ શેખની ધરપકડ
વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ મથકમાં સલીમ શેખ નામના ઇસમે ધનોલીના ઇજ્જુ શેખ અને સરીગામના અજયકુમાર મૌર્ય સામે બિભસ્ત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. આ અંગે વાપી ડિવિઝનના DySP વિરભદ્રસિંહ જાડેજાએ વિગતો આપી હતી કે, ગત 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ફરિયાદી સલીમ મતદાન કરવા ગયો હતો ત્યારે મતદાન મથક પર અજયકુમાર મૌર્ય નામના ઇસમે તેને અહીંથી નીકળી જવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ધનોલીના ઇઝહાર ઉર્ફે ઇજ્જુ અબ્દુલ હમિદ શેખ નામના શખ્સનો ફોન આવેલો અને તેણે પણ સલીમને બિભસ્ત ગાળો આપી ધમકી આપેલી જે અંગે ફરિયાદ નોંધી આરોપી ઇજ્જુ શેખની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અજયકુમાર મૌર્યની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
અજય મૌર્ય નામનો ઇસમ ફરાર
DySP જાડેજાના જણાવ્યા મુજબ આરોપી ઇજ્જુ શેખ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલો અને બાદમાં નિર્દોષ છૂટેલો નામચીન શખ્સ છે. એટલે કોઈ બીજા પ્રત્યાઘાત ના પડે તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી ઇજ્જુ શેખની ધરપકડ કરી છે.
મતદાન વખતે ભાજપને ટેબલ પુરા પાડ્યા હોવાની શંકા રાખી ધમકી આપી
ઉલ્લેખનીય છે કે, ઇજ્જુ શેખ અને અજય મૌર્યએ ફરિયાદી સલીમ વિરુદ્ધ તે ભાજપ પક્ષને મદદ કરતો હોવાની તેમજ ચૂંટણીના મતદાન વખતે ટેબલ પુરા પાડ્યા હોવાની શંકા રાખી ધમકી આપી હતી. તો ભિલાડ અને આસપાસના વિસ્તારમાં ઇજ્જુ શેખ નામચીન શખ્સ છે. જેની સામે ફરિયાદ બાદ ધરપકડ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી છે.
આ પણ વાંચોઃ ભીલાડમાં જન્મદિવસની ઉજવણીમાં દારૂની મહેફિલ, પોલીસે 9 શખ્સોની કરી ધરપકડ