વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસ ખબકેલા ભારે વરસાદે તંત્રની અનેક પોલ ખોલી નાખી છે. ભારે વરસાદથી ઉમરગામમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીના જર્જરિત બાંધકામની પણ પોલ ખુલી પડી છે. કચેરીમાં અગાશી પર ભરાયેલું પાણી છતમાંથી કચેરીમાં પડી રહ્યું છે.છતમાંથી ટપકતા પાણીથી કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, દસ્તાવેજ સહિતના કામ અર્થે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે.
આ અંગે કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમણે આ અંગે મુખ્ય કચેરીમાં જાણ કરી છે. આ કચેરી ખૂબ જૂની છે. વરસાદમાં પાણી ટપકે છે. આગામી દિવસોમાં આ અંગે જમીનની ફાળવણી થશે તે બાદ તેમાં બાંધકામ કરી કચેરીને ત્યાં સ્થળાંતર કરવામાં આવશે.કચેરીમાં પાણી પડતા અરજદારો વરસાદમાં પણ બહાર ઉભા રહે છે.