- 22 માર્ચના રોજ જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા શખ્સોએ કર્યું હતું અપહરણ
- અપહરણ કરનારાઓએ રૂપિયા 30 કરોડની ખંડણી માગી હતી
- પોલીસે 7 આરોપીને ઝડપી પાડ્યા
વલસાડઃ જિલ્લાના ઉમરગામ ખાતેથી ગત તારીખ 22 માર્ચના રોજ જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા શખ્સોએ બંદૂકની અણીએ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. જેઓને મહારાષ્ટ્ર ખાતે આવેલા રત્નાગીરી નજીક એક હોટલની બાજુના રૂમમાં બંદુકની અણીએ ગોંધી રાખવામાં આવ્યાં હતા. જ્યાં પોલીસે વિશેષ ઓપરેશન કરી તેમને હેમખેમ છોડાવી દીધા હતા, તેમજ સ્થળ ઉપરથી 5 ઈસમોને પણ ઝડપી પાડવામાં આવ્યાં હતા.
બિલ્ડરના ફોનનો ઉપયોગ કરીને જ માગી હતી ખંડણી
બિલ્ડર જીતુ પટેલનું અપહરણ કરનારાઓ દ્વારા તેમનો જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને તેમની પત્નીને ફોન કરી રૂપિયા 30 કરોડની ખંડણી માંગી હતી. જોકે, જીતુ પટેલની પત્નીએ તેમની પાસે આટલા નાણા ન હોવાનું જણાવી રકમમાં ઘટાડો કરવા માટે આજીજી કરી હતી, તેમ છતાં અપહરણકર્તાઓ એક પણ રૂપિયો ઓછો ન લેવા માટે વારંવાર તેઓ ફોન કરીને તેમની પત્નીને ધમકી આપી રહ્યા હતા.
આ પણ વાંચોઃ ઉમરગામના બિલ્ડર જીતુ પટેલના અપહરણના બીજા દિવસે પણ કોઈ ભાળ નથી મળી
પોલીસે પિસ્તોલ કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે જીતુ પટેલને રત્નાગીરી પાસેથી એક હોટલની બાજુમાં આવેલા રૂમમાંથી છોડાવી દીધો હતો. તેમજ પોલીસે સ્થળ ઉપરથી 5 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમની પાસેથી એક પિસ્તોલ, 2 મેગેઝીન, 8 મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ અપહરણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ પોલીસે કબજે કરી છે.
આ પણ વાંચોઃ એકતરફી પ્રેમીએ સુરત આવી યુવતીનું અપહરણ કર્યું
અપહરણમાં ઉપયોગમાં લેવાયેલી કાર ચોરીની હોવાનું સામે આવ્યું
બિલ્ડરના અપહરણ કેસમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર પોલીસે કબજે કર્યા બાદ તપાસ કરતા તેની અંદરથી 6 બનાવટી નંબર પ્લેટ મળી આવી હતી. એન્જિન નંબર અને ચેચીસ નંબર તપાસ કરતા આ બંને કારો દિલ્હીથી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એટલે કે ચોરી કરેલી કારનો ઉપયોગ અપહરણ કરવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે ગતરોજ મુંબઈના બોરીવલી સ્ટેશન પર ચેકિંગ કરતા બે ઈસમો પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યાં હતા. જેમાં એક મોબાઇલ ફોન અપહરણ થનાર જીતુ પટેલનો હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને ફોન પકડાઈ જતા બંને ઈસમો ઉપર પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી અને પૂછપરછ કરતાં મહત્ત્વની કડી હાથ લાગી હતી.
ચંદન સોનાર ગેંગના આરોપીઓના નામ
- ચંદન સોનાર તથા તેના સાગરિકો
- પપ્પુ ચૌધરી
- દિપક ઉર્ફે અરવિંદ યાદવ
- અજમલ હુસેન અન્સારી
- ઐયાઝ
- મોબિન ઉર્ફે ટકલ્યા
- ઇશાક મુંઝાવર
- જીતનેશ કુમાર ઉર્ફે બબલુ યાદવ
આ ગેંગ સમગ્ર દેશમાં અપહરણનું નેટવર્ક ચલાવે છે
આ સમગ્ર બાબતે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપતા રેન્જ IG ડોક્ટર એસપી કુમારે જણાવ્યું કે, ચંદન સોનાર ગેંગએ સમગ્ર ભારતમાં ખ્યાતનામ ગેંગ છે અને એ દરેક રાજ્યોમાં અપહરણનું નેટવર્ક ચલાવે છે. ચંદન, સોનલ અને પપ્પુ ચૌધરી અગાઉ સુરતમાં થયેલા હનિફ હિંગોરા અપહરણ કેસના આરોપી હતા. તે ઉપરાંત રાયપુર, છત્તીસગઢ ખાતે પ્રવીણ સોમાણી અપહરણ કેસમાં પણ પપ્પુ ચૌધરી તથા અરવિંદ નાસતા ફરતા આરોપી છે. હનિફ હિંગોરા કેસમાં પપ્પુ ચૌધરી બે વર્ષ લાજપોર જેલમાં રહ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી અપહરણના ગુનાઓ ચાલુ રાખ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોમાં તે અપહરણના ગુનામાં વોન્ટેડ છે.
વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી
આ સમગ્ર કેસમાં વલસાડ જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર તથા SOGની ટીમ, LCBની ટીમ જોડાયેલી હતી. તેમજ સુરત રેન્જના અધિકારીઓ, ગુજરાત ATS, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ, સુરત શહેર તથા મહારાષ્ટ્રના મીરા ભાયદર શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ તથા તેમની ટીમ, વલસાડ જિલ્લા પોલીસ સાથે તપાસમાં જોડાઈ હતી. આમ સમગ્ર ગુજરાત પોલીસની અલગ-અલગ ટીમો અને મહારાષ્ટ્ર પોલીસના સંકલનથી આ સમગ્ર કેસમાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.