વલસાડઃ 21મી સદીમાં પણ કેટલાક વિસ્તારોમાં અંધવિશ્વાસ અડગ જ રહ્યો છે. અંધવિશ્વાસમાં લોકો એટલા અટવાયા છે કે, કેટલીક વિધિઓ કરવા માટે જીવતા પ્રાણીઓને પણ છોડતા નથી, ત્યારે આવી જ એક ઘટના કપરાડામાં સામે આવી છે. કપરાડા તાલુકામાં ઓઝરડા ગામે જળ બિલાડીની ખરીદી કરવા આવેલા પાંચ ઈસમોને જંગલ ખાતાએ ઝડપી પાડયા છે, ત્યાર બાદ આ તમામ આરોપીઓના મોબાઈલ ચેક કરતાં તેમાંથી અન્ય પ્રાણીઓની પણ લે-વેચ થતી હોવાના ફોટા અને વીડિયો મળી આવતા જંગલ વિભાગ પણ ચોંકી ગયું છે. એક ચોક્કસ પ્રકારે જંગલનાં પ્રાણીઓની લે-વેચ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યુ છે.
જંગલોમાં વસવાટ કરતા પ્રાણીઓને ઊંચી કિંમતે વેચીને અંધવિશ્વાસની વિધિ કરવા માટે તેનો ઉપયોગ લોકો કરી રહ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. ગ્રામીણ કક્ષાએ આજે પણ ભૂવાઓ દ્વારા પ્રાણીઓનો ઉપયોગ કરીને હવામાંથી પૈસા પડતા હોવાની હકીકતો જાણવા મળી રહી છે. જે માત્ર એક મૃગ જળ સમાન છે પરંતુ તેમ છતાં પણ કેટલાક લોકો આવી વિધિ કરાવવા માટે પ્રાણીઓને ખરીદવા માટે ઊંચી કિંમત ચૂકવવા માટે ખચકાતા નથી.
આવો જ એક કિસ્સો કપરાડા તાલુકામાં બહાર આવ્યો છે તાલુકાના ઓઝર ગામે રહેતા બાબુભાઈ ઓઝરીયા જેમણે તેમના નજીકથી વહેતી અંબિકા નદીમાંથી માછલીની જાળ નાખીને જળબિલાડી પકડી હતી જોકે આ જળ બિલાડીએ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની શિડ્યુલનું જળચર પ્રાણી ગણવામાં આવે છે. તેને પકડવું કે તેને રાખવું એ કાયદાકીય ગુનો છે છતાં પણ ઈસમએ તેને પકડી એક ટોપલામાં રાખી તેને અંદાજીત રૂપિયા ત્રણ લાખની કિંમતે વેચવા માટે વાસદા ગામે તાડપાડા ફળિયામાં રહેતા શખ્સનો સંપર્ક કર્યો. આ સોદો થવાની બાતમી એક એનજીઓને થતાં તેમણે વડોદરા વન સંરક્ષણને જાણકારી આપી હતી.
આ માહિતી વલસાડ જિલ્લાના વન સંરક્ષણને મળતા કપરાડાના નાનાપોંઢા ફોરેસ્ટ વિભાગના અધિકારી અને તેમની ટીમે નજર રાખી હતી.જો કે, આ જળ બિલાડીને ખરીદવા માટે આવેલા પાંચ જેટલા ઈસમોને જંગલ વિભાગના અધિકારીએ ઝડપી લીધા હતા. તેઓ ત્રણ લાખ રકમ આપીને જળ બિલાડીની ખરીદી કરવા માટે આવ્યા હતા. આરોપીઓમાં કપરાડા બાપુ બાબલુ ઓઝરીયા, નડિયાદના જ્યોતિન્દ્ર શશીકાંત પંડ્યા, વડોદરા મકરપુરાના ચિરાયુ આનંદભાઇ પટેલ, વાંસદાના અશોક વિનુ બારીયા, વડોદરા હરીપુરાના ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાની ફોરેસ્ટ વિભાગે ધરપકડ કરી હતી. આ તમામને પૂછપરછ કરતા તેઓ કંઈ પણ બોલવા રાજી ન હતા, પરંતુ જ્યારે તેમના મોબાઈલ ફોન ચેક કરવામાં આવ્યા તો તેમાંથી વન્ય પ્રાણીઓના ફોટા અને તેમના વેચાણ અર્થેની વિગતો જંગલ વિભાગના અધિકારીને મળી હતી. જેથી એક વાત સ્પષ્ટ થઈ હતી કે, આ તમામ લોકો ચોક્કસ પ્રકારે વન્યપ્રાણીઓની લે-વેચનું કૌભાંડ ચલાવી રહ્યા છે. હાલ તો જંગલ વિભાગે આ પાંચની ધરપકડ કરી તેમની સામે વન્ય પ્રાણીજીવન નિયમ અંગેની કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે, ગ્રામીણ કક્ષાએ આજે પણ કેટલાક લોકો અંધવિશ્વાસમાં માને છે. તો કેટલાક ભગત ભૂવાઓ હવામાંથી પૈસા પાડવાની વિધિ કરવા માટે કેટલાક વન્યપ્રાણીઓ જેવા કે જળ બિલાડી, કાચબા, શેડો જેવા અનેક પ્રાણીઓનો ઉપયોગ કરતા હોય છે. તેને મેળવવા માટે લોકો ગાંડાની જેમ પૈસા ખર્ચે છે. આ વિધિમાં થતું કાંઈ નથી પરંતુ ભગત ભૂવાઓ લોકોનો લાભ લઈ નાણા કમાઈ લેતા હોય છે. આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે પરંતુ અંધવિશ્વાસમાં તણાયેલા લોકોની આંખો ખુલતી નથી.