વાપીઃ લોકડાઉન પહેલા ગોવા ફરવા ગયેલા અને લોકડાઉનમાં ફસાયેલા 45 ગુજરાતીઓ ગુજરાત સરકારની મદદથી ગોવાથી વાપી આવ્યાં હતાં.
વાપીમાં એક હોટેલ માલિકે તેઓને ફ્રીમાં જમાડી ગુજરાતના વિવિધ સ્થળના આ લોકોને તેમના વતન રવાના કરાવ્યા હતાં. આ પ્રસંગે અતિ ઉત્સાહમાં આવેલા લોકો સોશ્યલ ડિસ્ટનસિંગનું ભાન ભૂલ્યા હતાં.
દેશમાં લાગુ કરેલા લોકડાઉનમાં ગુજરાત રાજ્યના 45 લોકો ગોવામાં ફસાયા હતાં. આ લોકોએ પોતાને ગોવાથી ગુજરાત લાવવા મદદ માગી હતી. જે બાદ ગોવા સરકાર, ગુજરાત સરકાર અને ગૃહપ્રધાન અમિત શાહે આ ગુજરાતીઓ માટે ખાસ વ્યવસ્થા કરી ગોવાથી ગુજરાત આવવાની પરમિશન આપી હતી.
ગોવામાં આ 45 ગુજરાતીઓ 45 દિવસ પછી પરત ગુજરાતમાં આવ્યા હતાં. જેમાં વાપીના 4 લોકોનો સમાવેશ થતો હતો. તમામને વાપીની સાઈનાથ રેસ્ટોરન્ટ અને મામૂ ચાઇ નામની હોટલ ધરાવતા હોટેલ માલિકે પોતાની હોટેલમાં ફ્રી જમાડ્યા હતાં. આ પ્રસંગે તમામ લોકોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો, ગુજરાત સરકાર અને સ્થાનિક પારડીના ધારાસભ્યનો, ગોવા સરકારનો આભાર માન્યો હતો.
જો કે, 45 દિવસે ગુજરાતમાં આવ્યા બાદ પોતાના વતનમાં જતા પહેલા ગુજરાતી જમણવારના સ્વાદમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા અને એક સાથે જ ઉભા રહી ખુશખુશાલ ચહેરે બે હાથ જોડી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.