- વાપીમાં પરિણીતાની આત્મહત્યા પ્રકરણમાં નવો વળાંક
- પતિ, સાસુ અને જેઠ-જેઠાણીની કરાઈ ધરપકડ
- માનસિક ત્રાસ અને મારઝૂડ કરતા પરિણીતાએ કરી આત્મહત્યા
વાપી: વાપીમાં 27મી મેના રોજ ચણોદ કોલોની વિસ્તારમાં આવેલા અલકનંદા બિલ્ડીંગમાં બી વિંગના ફ્લેટ નંબર 203માં રહેતી અનિતા ભાવેશ ખાનીયા નામની પરિણીતાએ અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યા બાદ યુવતીના પિયર પક્ષ તરફથી સાસરિયા વિરુદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણા કરવાની અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે, પોલીસે પતિ, સાસુ, જેઠ-જેઠાણીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.
આ પણ વાંચો: વાપીમાં પોલીસે કારમાં છુપી રીતે દારૂ લાવતા એક આરોપીની ધરપકડ કરી, 3 આરોપી વોન્ટેડ જાહેર
માનસિક ત્રાસથી કંટાડી જતા અનિતાએ આત્મહત્યાનું પગલું ભર્યું
વાપીમાં ગુરુવારે 27મી મેના અનિતા ખાનીયા નામની પરિણીતાએ પોતાના ઘરે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે, ડુંગરા પોલીસ મથકમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ પરિણીતાના મૃતદેહનું નિરીક્ષણ કરી વધુ તપાસ માટે મૃતદેહને વાપીના ચલા PHC ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યાં, પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને પરિણીતાના પરિવારજનોને સોંપ્યો હતો. જે બાદ આ ઘટનામાં મૃતક અનિતાના ભાઈ અને માતાને શંકા જતા તેમણે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું છે કે, અનિતાને તેનો પતિ ભાવેશ, સાસુ દમયંતી ભાનુશાલી, જેઠ સુરેશ ભાનુશાલી અને જેઠાણી રેખા સુરેશ ભાનુશાળી અસહ્ય માનસિક ત્રાસ આપતા હતાં. આ ઉપરાંત, મારઝૂડ કરી મારી નાખવાની ધમકી આપતા હતાં. જેથી, માનસિક રીતે તૂટી જતા અનિતાએ આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. આ ફરિયાદના આધારે ડુંગરા પોલીસે 4 લોકોની ધરપકડ કરી નવસારી જેલ હવાલે કર્યા હતાં.
આ પણ વાંચો: ઉમરગામ- નારગોલ દરિયામાં બુધવારે રાત્રે થયેલી એર ફાયર અંગે વાપી ડિવિઝનના DYSPએ વિગતો આપી
પતિ, સાસુ અને જેઠ-જેઠાણીને નવસારી જેલમાં મોકલ્યા
અનિતા અને તેનો પરિવાર મૂળ જામનગરનો છે. અનિતાના લગ્ન ચારેક વર્ષ પહેલાં ભાવેશ ભાનુશાલી સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક અઢી વર્ષનો પુત્ર છે. આત્મહત્યા પ્રકરણમાં ડુંગરા પોલીસ સ્ટેશનમાં પ્રથમ અકસ્માત મોતની ફરિયાદ લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં, પોલીસને ઘરમાં કોઈ અણબનાવની વિગતો કે આત્મહત્યા સ્થળેથી સુસાઈડ નોટ મળી નહોતી. જે બાદ મહિલાના પિયર પક્ષ તરફથી સાસરિયાંનો ત્રાસ હોવાની ફરિયાદ ઉઠતા સાસરિયાં વિરૂદ્ધ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડુંગરા પોલીસે ચારેય આરોપીઓ સામે કલમ 498(ક), 306, 114 હેઠળ આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં.