વલસાડઃ દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગુરુવારે 19 જેટલા કેસ સામે આવ્યા બાદ શુક્રવારે ફરીથી 26 જેટલા નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 2 ના મોત થયા છે તેમજ 7 લોકોને રજા આપવામાં આવી છે.
શુક્રવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં વલસાડના 11, પારડીના 10, વાપીના 4 અને ધરમપુરનો 1 કોરોના પોઝિટિવ કેસનો સમાવેશ થાય છે. આમ વલસાડ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 658 ઉપર પહોંચ્યો છે. હાલમાં 201 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં 389 લોકોને સાજા થઇ જતા તેમને રજા આપી દેવામાં આવી છે જ્યારે 6 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે.
અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં 8413 કોરોના સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં 658 જેટલા સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 7755 જેટલા સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આમ દિન-પ્રતિદિન કોરોનાનો આંકડો વધતો જઈ રહ્યો છે જે આરોગ્ય વિભાગ તેમજ વલસાડ જિલ્લાના રહીશો માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે.
મહત્વનું છે કે સરકારે વલસાડ જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને પણ કોરોનાની સારવાર કરવા માટેની પરવાનગી આપી છે પરંતુ આ ખાનગી હોસ્પિટલોમાં પણ હાલ શરૂ કરવામાં આવેલા તમામ કોરોનાના બેડ ભરાઇ ગયા છે.