વલસાડ: સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને પગલે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ વલસાડ જિલ્લાના મરોલી ગામથી ઓખા બંદરે પરિવાર સાથે માછીમારી કરવા ગયેલા અઢી હજાર જેટલા માછીમારોને લોકડાઉન દરમિયાન બસ મારફતે વતન પહોંચડવાની પરવાનગી આપવા માટે રજૂઆત કરી છે. આ માટે મરોલી ગામે માછીસમાજ એસોસિએશન દ્વારા એક બેઠક બોલાવી ચર્ચા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના મરોલી ગામે માછીસમાજના આગેવાનોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગમાં ઉપસ્થિત મરોલી માછીસમાજના પ્રમુખ ગજાનંદ ટંડેલ જણાવ્યું હતું કે, ગામના અઢી હજાર જેટલા લોકો ઓખા બંદરે અને આસપાસના બંદરે માછીમારી કરવા ગયા છે. આ લોકો પોતાની મહિલાઓ અને બાળકો સાથે ત્યાં રોજીરોટી માટે ગયા હતાં. જે દરમિયાન હાલમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન જાહેર થતા તેમનો વ્યવસાય પડી ભાંગ્યો છે. હવે તેઓને પરત વતનમાં આવવું છે. આ માટે અમે સરકારમાં મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી છે કે, તેઓને બસ મારફતે વલસાડ જિલ્લામાં લાવવાની પરવાનગી આપવામાં આવે.
અત્યાર સુધી સરકારે પોતાના ખર્ચે હજારો માછીમારોને બસ માર્ગે વલસાડ લાવવામાં મદદ કરી છે, ત્યારે આગામી 14મીએ લોકડાઉન પૂર્ણ થાય ત્યારે આ ફસાયેલા પરિવારોને લાવવામાં પણ મદદરૂપ થાય તેવી માંગ માછી સમાજે કરી છે. વધુમાં માછી સમાજે ઉમેર્યું હતું કે, દરિયાઈ માર્ગે વલસાડના કાંઠે આવતા 50 કલાક થાય અને તે દરમિયાન બોટમાં નુકસાની થવાની શક્યતા વધુ છે. જ્યારે બસ મારફતે 15 કલાકમાં પહોંચી શકાય છે. એટલે સરકાર પરવાનગી આપે તો અમારા સ્વખર્ચે બસ મારફતે રોડમાર્ગે તેમને લાવી શકીએ.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 20 જેટલી બસ દ્વારા સૌરાષ્ટ્રમાં ફસાયેલા ખલાસીઓને લાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત બોટ દ્વારા પણ 2000 જેટલા ખલાસીઓને વલસાડમાં લાવવામાં આવ્યાં છે. એક અંદાજ મુજબ, હજુ પણ 50,000 જેટલા ખલાસીઓ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે લોકડાઉનને કારણે ફસાયેલા છે. જો સરકાર પરવાનગી આપે તો આ તમામ માછી, મીટના, માંગેલા અને આદિવાસી સમાજના માછીમારો પણ પોતાના વતન આવી શકે તેમ છે.