- ઉમરગામ નગરપાલિકામાં મતદારોમાં ઉત્સાહ
- ઉમરગામ તાલુકા પંચાયતમાં નીરસ મતદાન
- નગરપાલિકાના વોર્ડ નંબર-5માં સૌથી વધુ મતદાન નોંધાયું
વલસાડ: જિલ્લાની ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડના 27 ઉમેદવારો માટે રવિવારે ચાલી રહેલા મતદાનમાં મતદારો ઉત્સાહભેર મતદાન મથક પર આવી મતદાન કરતા જોવા મળ્યા હતાં. ઉમરગામ નગરપાલિકામાં કુલ 21,979 મતદારો છે. 7 વોર્ડ માટે ચાલી રહેલા મતદાનમાં 27 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સવારના 7 વાગ્યાથી દરેક મતદાન મથક પર મતદારોનો ધસારો જોવા મળ્યો હતો.
મતદાન બુથ પર સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા
મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોરોના વાઈરસને ધ્યાને રાખી માસ્ક, સેનેટાઇઝર સાથે આરોગ્યની ટીમ તૈનાત કરવામાં આવી હતી. જોકે, દરેક મતદાન બુથ પર મતદારોનો ધસારો જોતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
વોર્ડ નંબર 3માં સૌથી ઓછું મતદાન
ઉમરગામ નગરપાલિકાના મતદાનની સરેરાશ ટકાવારી જોઈએ તો સવારના 12 વાગ્યા સુધીમાં કુલ 21.73 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં વોર્ડ નંબર 5માં સૌથી વધુ 28.53 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ગત ટર્મના પ્રમુખ રામશબદ સિંહના વોર્ડ નંબર-3માં સૌથી ઓછું 16.69 ટકા મતદાન નોંધાયું હતું. ઉમરગામ તાલુકાની વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં નારગોલ ગામમાં માછી સમાજે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. નારગોલ ગામમાં મરીન પોલીસ દ્વારા લગ્ન પ્રસંગ સમયે DJને બંધ કરાવ્યું હોય તે અંગે મતદારોએ વિરોધ વ્યક્ત કરી મતદાનથી અળગા રહ્યા હતાં.
વાપી-ઉમરગામ તાલુકા પંચાયતના મતદાનમાં વાપી આગળ
ઉમરગામ તાલુકા પંચાયતમાં 12 વાગ્યા સુધીમાં 14.59 ટકા મતદાન નોંધાયું હતું. વાપી તાલુકા પંચાયતમાં 22.12 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયત ની બેઠકો પર 12 વાગ્યા સુધીમાં 19.71 ટકા મતદાન નોંધાયું હતું.