વલસાડ : કચ્છના જખૌ બંદરેથી માછીમારી કરવા જતા મૂળ વલસાડમાં 200થી વધુ માછીમારો દરિયામાંથી પરત ફરતા આ તમામ માછીમારોને પ્રશાસન દ્વારા એસટી બસના માધ્યમથી વલસાડ ખાતે પરત મોકલવામાં આવ્યાં હતા. આ ૨૦૦ જેટલા માછીમારોને ભરીને આવેલી એસટી બસ આજે વલસાડ સિવિલ ખાતે આવી પહોંચી હતી. જ્યાં આગળ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૨૦૦ માછીમારોની આરોગ્યની તપાસ શરૂ કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું કે ,આ તમામ બસો માછીમારોને સ્ક્રીનીંગ બાદ તેઓના વતન વલસાડ નજીકના કાંઠા વિસ્તારના ગામોમાં મોકલવામાં આવશે, પરંતુ હાલમાં કોરોનાને રાષ્ટ્રીય આપદા ઘોષિત કરવામાં આવી હોવાથી કાયદાકીય રીતે આ તમામ લોકોને ચૌદ દિવસ સુધી તેમના ઘરની નજીકમાં યોગ્ય સ્થાને ક્વોરોનટાઈન કરવામાં આવશે. જેથી કરીને જો કોઈનામાં કોરોના રોગના લક્ષણ હોય તો તે અન્ય સાથે સંક્રમિત ન થાય.
નોંધનીય છે કે વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૯ જેટલા શંકાસ્પદ કમળાના કેસ નોંધાયા છે. જેમાંથી ૨૮ જેટલા શંકાસ્પદ કેસના મેડિકલ રિપોર્ટ આવી જતા આ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. ૨૮ જેટલા દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે.