દમણ: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં સરેરાશ અઢી ઇંચથી 10 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જિલ્લાના નદી-નાળા છલકાયા છે. સર્વત્ર મેઘાવી માહોલ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મધુબન ડેમમાંથી દમણગંગા નંદીમાં (Damanganga river) નવા નીર આવ્યા છે. તેનાથી જનજીવન પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો: રાજકોટનો આ ડેમ થયો ઓવરફલો, જાણો ક્યા ગામોને કરાયા એલર્ટ
કપરાડા તાલુકામાં સૌથી વધુ 249mm વરસાદ વરસ્યો - વલસાડ જિલ્લામાં (Valsad district) છેલ્લા 26 કલાકમાં તમામ તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે. સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી છે. જિલ્લામાં છેલ્લા 26 કલાકમાં ગુરુવાર સવારના 6 વાગ્યાથી શુક્રવાર સવારના 8 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદની વિગતો જોઈએ તો, કપરાડા તાલુકામાં સૌથી વધુ 249mm વરસાદ વરસ્યો છે. વાપીમાં 170mm વરસાદ વરસ્યો છે. જ્યારે પારડીમાં 150mm, ધરમપુરમાં 143mm, વલસાડમાં 105mm અને ઉમરગામમાં 62mm વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 144.6mm તો, દમણમાં 112mm વરસાદ વરસ્યો છે.
દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે - અનરાધાર વરસાદને લઈને શહેરી વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાવાના બનાવો બન્યા છે. તમામ મુખ્ય માર્ગો પર આખો દિવસ અને મોડી રાત સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જ્યારે સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં (Madhuban Dam) નવા નીર ની આવક થઈ છે. દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે.
મધુબન ડેમમાં 19709 ક્યુસેક નવા પાણી ની આવક - દમણગંગા નદીમાં (Damanganga river) હાલ મધુબન ડેમમાંથી 21934 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધુબન ડેમમાં 19709 ક્યુસેક નવા પાણી ની આવક થઈ રહી છે. ડેમનુ રુલ લેવલ 71.02 મીટર સુધી સ્થિર રાખી 6 દરવાજા 1 મીટરના અંતરે ખોલી વધારાના પાણીને દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: Gujarat Rain Update : બંધારો છલકાતા લોકોના હૈયે આનંદની હેલી
સીઝનનો કુલ વરસાદ - વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો ઉમરગામ તાલુકામાં 36 ઇંચ, કપરાડા તાલુકામાં 38 ઇંચ, ધરમપુર તાલુકામાં 30 ઇંચ, પારડી તાલુકામાં 37 ઇંચ, વલસાડ તાલુકામાં 40 ઇંચ તો વાપીમાં 39 ઇંચ વરસાદ નોંધાયો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 28 ઇંચ, દમણમાં 39 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે.
હવામાન વિભાગની રેડ એલર્ટ આગાહી - દમણગંગા વિયર ઓવરફ્લો (Damanganga weir overflow) થયો છે. જેના ધસમસતા પ્રવાહને નિહાળવા વાપીવાસીઓ નદી કાંઠે પહોંચી ધસમસતા પ્રવાહને મનભરીએ માણી રહ્યા છે. તો અમુક લોકો મોબાઈલ કેમેરામાં કેદ કરી સેલ્ફી સાથે સોશ્યલ મીડિયામાં આ અદભુત નજારાને અપલોડ કરી શેર કરી લાઈક પર લાઈક મેળવી રહ્યા છે. ટૂંકમાં હવામાન વિભાગની રેડ એલર્ટ આગાહી વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણના લોકો માટે ખુશનુમા વાતાવરણ લઈને આવી છે.