વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલ 'અર્પણમ- ૨૦૨૦'નો રંગેચંગે પ્રારંભ કરાયો હતો, જેના બીજા દિવસે આજે વુમન્સ ડે સ્પેશિયલ 'મેનિફેસ્ટિંગ વી: ધ પાવર ઓફ વુમન ' વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ, ડૉ.અવી સબાવાલા, ભર્ગસેતુ શર્મા, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ રાજસી રસ્તોગી અને પ્રો.અંજલિ કરોલિયા હાજર રહ્યાં હતાં.
આ પેનલ ડિસ્કશનમાં જેન્ડર ઈક્વાલિટી પર વિશેષ ચર્ચા કરાઈ હતી. સ્ત્રી સમાનતા અને સશક્તિકરણ વિશે મહારાણી રાધિકારાજે ગાયકવાડે કહ્યું હતું કે, આપણી યુનિવર્સિટીમાં 57 ટકા યુવતીઓ અભ્યાસ કરી રહી છે, જે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. જો જાતીય સમાનતાની વાત થાય તો તેની શરૂઆત પોતાના પરિવાર અને સ્કૂલથી થવી જોઈએ. જો બાળપણથી છોકરા અને છોકરીનો સમાન રીતે ઉછેર કરવામાં આવે તો સ્ત્રી સશક્તિકરણની જરૂર જ નહીં રહે અને તે માટે છોકરા અને છોકરી બંનેને શિક્ષિત કરવાં ખૂબ જ જરૂરી છે.