વડોદરા : શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ રસ્તા રોકીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. શહેરના વોર્ડ નંબર 6 ફતેપુરા પાંજરીગરમાં મોટાભાગના ઘરોમાં પીવાનું પાણી કેટલાક સમયથી આવતું જ નથી. તેમજ દુર્ગંધ મારતું દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ વારંવાર તંત્રને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. કોર્પોરેશનનું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ આવ્યું હતું. જેથી મહિલાઓએ રસ્તા રોકી લેતા સમજાવટ માટે પોલીસ બોલાવવી પડી હતી. ઘણી ખરી રજૂઆત અને સમજાવટ બાદ માંડ-માંડ મામલો શાંત પાડ્યો હતો.
ઉગ્ર થઈને આવેલી મહિલાઓ વોર્ડ ઓફિસે આવ્યા છે, પણ કોઈ જોવા મળતું નથી. તેને લઈને આખરે કંટાળીને મહિલાઓએ આ પગલું ભર્યું હતું. પાણી આવે છે તો ખરાબ અને દુર્ગંધ યુક્ત આવે છે. આ પાણી પીવા લાયક પણ નથી.-- સતારભાઈ (સ્થાનિક રહીશ)
સ્થાનિક સમસ્યા : વડોદરાના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યાઓને લઈને આજરોજ વોર્ડ નંબર 6 ફતેપુરા વિસ્તારની મહિલાઓએ રસ્તો બ્લોક કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેને લઈને અધિકારીઓએ બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ આવશે તેવી સાંત્વના આપી મહિલાઓને વિદાય આપી હતી. જેથી રોષે ભરાયેલી મહિલાઓએ હાલ પૂરતું આંદોલન સમેટી લીધું હતું.
રસ્તા રોકો આંદોલન : પીવા લાયક પાણી ન મળવું, પ્રેશર ઓછું આવવું ,ગંદુ પાણી આવવું જેવા અનેક સવાલોને લઈને સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ઉગ્ર થયેલી મહિલાઓએ જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી રસ્તો નહીં મળે જેવા સૂત્રોચ્ચાર કરીને વોર્ડ ઓફિસનો રસ્તો રોકી લીધો હતો. પીવા માટે તો પાણી જોઈએ ને ! આ સાથે સ્થાનિક મહિલા રહીશે જણાવ્યું કે, અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પાણી યોગ્ય પ્રમાણમાં આવતું નથી. અને પાણી આવે તો ખરાબ આવે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી.
પોલીસ બોલાવી પડી : વધુમાં લોકોએ જણાવ્યું હતું કે, આ લોકો નોંધ લે છે પરંતુ પીવા પાણી યોગ્ય પ્રેશરથી આવતું નથી. પાણી પીવાનું બહારથી લાવીએ છીએ. જવાબદાર અધિકારીઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેલી મહિલાઓને જોઈને પોલીસ બોલાવી લીધી હતી. સમગ્ર મામલો પોલીસ આવ્યા પછી ભારે સમજાવટ બાદ થાળે પાડ્યો હતો.