વડોદરા : શહેરમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદી માહોલ સર્જાયો હતો. ગતરોજ અસહ્ય ઉકળાટ અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે જ મેઘરાજાની એકાએક એન્ટ્રી થઈ હતી. એટલે કહી શકાય કે શહેર જિલ્લામાં ચોમાસાની ઋતુનું આગમન થયું છે. વરસાદ આવતા જ શહેરીજનોએ અસહ્ય ગરમીમાંથી છુટકારો મળતા હાશકારો અનુભવ્યો હતો. વરસાદી માહોલ સર્જાતા રાહદારીઓ અને વાહનચાલકોએ છત્રી અને રેઇનકોટનો સહારો લેવાની ફરજ પડી હતી.
સર્વત્ર વરસાદી માહોલ : હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆતની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજથી તેની શરૂઆત જોવા મળી રહી છે. વરસાદી માહોલ સર્જાતા મોર્નિંગ વોકર્સ અને રાહદારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના તાપમાનમાં પણ આંશિક ફેરફાર જોવા મળ્યો હતો. શહેરના સમા, છાણી, ગોરવા, માંજલપુર, અલકાપુરી, આજવા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
ક્યાંક ફાયદો તો ક્યાંક નુકસાન : વડોદરા શહેર ઉપરાંત જિલ્લાના ડેસર, પાદરા, કરજણ, વાઘોડિયા, સાવલી તાલુકામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ચોમાસાની ઋતુની રાહ જોઈ બેઠેલા ખેડૂત પુત્રો વાવેતર કરેલ પાકમાં વરસાદ આવતા રાહત અનુભવી હતી. હાલમાં ખેડૂત પુત્રો દ્વારા કપાસ, બાજરી, તુવેર, ડાંગર જેવા પાકો ખેતરમાં વાવવામાં આવ્યા છે. જેમાં ખેડૂતો માટે ફાયદો છે તો બીજી તરફ શાકભાજીના ખેડૂતો માટે ચિંતા જનક છે કારણ કે, વરસાદ ખૂબ ધીમીધારે અને યોગ્ય પ્રમાણમાં ન પડતા શાકભાજી ખરાબ થવાની ભીતિ સેવાઇ રહી છે.
રોગચાળો વકરવાની સંભાવના : શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે ખાબોચિયા ભરાઈ રાહત પાણીજન્ય રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઇ રહી છે. પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ ચકાસણી કરવામાં આવી રહી છે તો પાણીના ટાંકામાં ક્લોરીનની ગોળીઓનો પાવડર પણ નાખવામાં આવી રહ્યો છે. સાથે ટેરિસ કે અન્ય જગ્યાએ ટાયર, કુંડા, ફૂલદાનીમાં પાણી ભરાઈ ન રહે તે માટે પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે.