વડોદરાઃ શહેર જોઈન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટીએ જણાવ્યું કે, આ ટોળકી દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ શહેરોમાંથી લક્ઝરીયસ કારની ચોરી કરતી હતી અને તે કારોના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને સસ્તા ભાવે વેચી મારતી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાનનો શકીલ દિલ્હી, રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી લક્ઝુરિયસ કારોની ચોરી કરતો હતો અને તેના ફોટા અમદાવાદના ગુડ્ડુ અન્સારીને મોકલતો હતો.
ગુડ્ડુ અન્સારી કારના બોગસ ડોક્યુમેન્ટ બનાવીને કાર વડોદરાના તરૂણ નાથાણીને મોકલી દેતો હતો. તરૂણ નાથાણી ચોરેલી કાર બોગસ ડોક્યુમેન્ટના આધારે ગ્રાહકો શોધીને સસ્તા ભાવે વેચી દેતો હતો. પોલીસે ટોળકી પાસેથી કુલ રૂપિયા 1.88 કરોડની કિંમતની 8 કાર કબજે કરી છે. આ ટોળકીએ દિલ્હીના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તપાસ દરમિયાન ચોરીની અનેક કારોનો ભેદ ઉકેલાવાની શક્યતાઓ છે.