વડોદરા : શહેરના નવાપુરા શિયાબાગ વિસ્તારમાં ગેરકાયદેસર બે અગ્નિશસ્ત્ર પિસ્તોલ અને 11 કારતૂસો લઈને વેચવા માટે આવેલા એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્સની અટકાયત કરી પિસ્તોલ તેમજ કારતુસ આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે બંને શખ્સો વિરુદ્ધ નવાપુરા પોલીસ મથક ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
કેવી રીતે દબોચ્યો : વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શિયાબાગ નવાપુરા વિસ્તારમાં 28 વર્ષીય કુણાલ ઉર્ફે આત્તુ પટેલ પોતાના કમરના ભાગે બે અગ્નિશસ્ત્ર પિસ્તોલ જેવા હથિયાર ભરાવી ખીસ્સામાં કારતુસ લઈને વેચાણ કરવા ફરી રહ્યો છે. આ બાતમી હકીકત આધારે ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ એક શખ્સની ઝડપી તપાસ કરતા તેની પાસેથી 2 પિસ્તોલ સાથે 11 કારતુસ મળી આવી હતી. આ શખ્સ પાસેથી અગ્નિશસ્ત્ર હથિયાર પિસ્તોલ નંગ-02 તેમજ પેન્ટના ખીસ્સામાંથી કારતુસ નંગ 11, સાથે ફુટેલા કારતુસ નંગ-01 ખાલી કેસીસ-03, મોબાઇલ ફોન-01 મળી કુલ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એકની ધરપકડ એક વોન્ટેડ : પોલીસે કુણાલ ઉર્ફે આત્તુ પટેલ પાસે પિસ્તોલ તેમજ કારતુસ રાખવા લાયસન્સ કે પરવાના અંગે પૂછતા કૃણાલે પોતાની પાસે પિસ્તોલ રાખવાનું કોઈ લાયસન્સ કે પરવાનો નહી હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં આ પિસ્તોલ અને કારતૂસ કૃણાલે નવાપુરા વિસ્તારમાં શક્તિ કૃપા સોસાયટીમાં રહેતો નિકુંજ વરસડા પાસેથી લીધી હોવાનું તેણે કબૂલ્યું હતું. પોલીસે કૃણાલ પટેલની ધરપકડ કરી નિકુંજ વરસડાને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : Surat Crime: દિવાળીના તહેવાર સમયે કર્ણાટકના બેંગ્લોરમાં ચોરી કરનાર આરોપી સુરતથી ઝડપાયો
SOG કાર્યવાહી : ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ વડોદરા SOG હાઇવે પર એક શખ્સ પાસેથી ડબલ બેરલબાર બોરની ગન તેમજ 9 નંગ કારતુસ મળી આવ્યા હતા. જેને લઇ SOG દ્વારા કાર્યવાહી દરમિયાન શખ્સ પાસેથી લાયસન્સ બાબતે તપાસ કરતા તેને ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં જ ઉપયોગ કરવાની પરવાનગી હતી. ગુજરાતમાં આ હથિયાર લઈને આવવાનો કોઈ પરવાનો નહોતો. જેથી SOG હાઇવે ઇટ્સ હોટેલમાં નોકરી કરતા ઉત્તર પ્રદેશના પુનમસિંહ યાદવની ધરપકડ કરી વરણામા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Vadodara Murder Case: જાહેરમાં ફિલ્મીઢબે ફાયરિંગ કરી હત્યા કરનારા ઝડપાયા, આવો હતો પ્લાન
શહેર પોલીસની સતર્કતા : વડોદરા શહેરમાં ઉત્સવ નગરીમાં પારાવાર થઈ રહેલા ઉત્સવો જોતા ગેરકાયદેસર આ પ્રકારના હથિયારો મળી આવવા તે એક ચિંતાનો વિષય છે. પરંતુ વડોદરા શહેરની એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આવા શખ્સો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી ને જોતા ચોક્કસ રાહતના સમાચાર છે. પરંતુ આગામી દિવસોમાં મહાશિવરાત્રીનો મહાપર્વ આવી રહ્યો છે. ત્યારે શહેરમાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડતા હોય છે. આ ઉત્સવમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ સતર્ક બની છે. ગેરકાયદેસર લાયસન્સ વિનાના હથિયારો લઇને ફરી રહેલા શખ્સોને ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.