વડોદરા : શહેરમાં માંડવી અને ગેંડીગેટ રોડ પર આવેલા પટોળીયા પોળમાં 200 વર્ષ જૂની હવેલી સામે 'કોઇપણ હિન્દુએ પોતાની મિલકત ભાડે કે વેચાણ બિન હિન્દુને આપવી નહીં, નહીં તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે' તેવા પોસ્ટર લાગતા વિવાદ સર્જાયો છે. જેને પગલે હવેલીને લઇને વિવાદ થયો હતો તે હવેલીના માલિક દોડી ગયા હતા. તેમને કોઈ બિન હિન્દુને મકાન વેચવાનું નથી તેવી સ્પષ્ટતા કરી હતી. પોસ્ટર લાગતા આ વિસ્તારમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.
લોકોને કન્ફ્યુઝન થયું છે, બીજું કંઇ જ નથી. આ અમારી 200 વર્ષ જૂની હવેલી છે. તેની હાલત ખૂબ જ જર્જરિત છે. ક્યારે પણ આ હવેલી તૂટી પડે તેવી હાલત છે. અહીં ખૂબ જ જીવજંતુ રહે છે અને અહીં ખૂબ જ કાટમાળ છે. આ કાટમાળ ખસેડવા માટે એક દેવીપૂજકને બોલાવ્યા હતા. જે આ કાટમાળ અમને ઉઠાવી આપે અને અમારી જગ્યા ક્લિન થઇ જાય. - ભાર્ગવ સોની (હવેલીના માલિક)
મિલકત સાફ સફાઈને લઈને અણસમજ : તેઓની સાથે અન્ય ધર્મના લોકો આવી ગયા હતા. આ લોકો અડધી રાત્રે આવ્યા હતા. એની અમને ખબર જ નહોતી. એ જેને પણ ધ્યાનમાં પડ્યું એમને કન્ફ્યુઝન થયું છે. આ 7 હજાર સ્ક્વેર ફૂટ જેટલી જગ્યાનો અમે બિલકુલ ઉપયોગ કરી શકતા નથી. આ હવેલીની હાલત ખૂબ જ જર્જરિત છે. અમારે મિલકત અમારે સાફ કરવી હતી. અમારે મિલકત વેચવી છે. એ સાચી વાત છે પણ અમારે આ મિલકત કોઇ વિધર્મીને વેચવી નથી.
અન્ય જ્ઞાતિના લોકોને નહીં વેચીએ : આ શહેરનો સીટી વિસ્તાર કહેવાય છે. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવાથી અન્ય જાતિનો કોઈપણ વ્યક્તિ ડાયરેક્ટ મિલકત ખરીદી શકે તેમ નથી. કારણ કે અહીં અશાંતધાર લાગુ હોવાથી તે અંગે પૂર્વ મંજુરી કલેકટર દ્વારા લેવાની હોય છે. પરંતુ આ પોળમાં લાગેલા પોસ્ટરોથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે આ બાબતે હવેલીના મલિકે સ્પષ્ટ કહ્યું હતું કે, માત્ર સાફ સફાઈ માટે જે લોકોને બોલાવ્યા હતા તેમાં અન્ય જ્ઞાતિના લોકો આવી જતા લોકોને અણસમજ થતા અહીં કોઈએ પોસ્ટર લગાવ્યું છે, પરંતુ અમારે આ હવેલી અન્ય કોઈ જાતિના લોકોને વેચવાની નથી તેવું સ્પષ્ટ કહ્યું હતું.