વડોદરાઃ ગુજરાત સરકારે વર્ષ 2020માં એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. તે મુજબ વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષથી 6 વર્ષના બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે હવે કોરોના કાળ બાદ પણ આ નિયમની અમલવારી થઈ શકી નથી તે સ્પષ્ટ છે. જોકે, હવે આ નિયમની અમલવારી કરવાનું નક્કી કરાતા વડોદરાના વાલીઓ મેદાને ઉતર્યા છે. અહીંના વાલી મોરચાએ કલેક્ટર કચેરી ખાતી આવી આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ તેમણે વિદ્યાર્થીઓના હિતમાં આ નિયમની અમલવારી એક વર્ષ પાછી ઠેલવવાની માગ કરી હતી.
આ પણ વાંચો ETV Bharat special report: 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકને પડી શકે છે અનેક મુશ્કેલીઓ
બાળકનું વર્ષ ન બગડે તે માટે રજૂઆતઃ ત્યારે હવે આ શૈક્ષણિક વર્ષ 2023-24થી 1 જૂને જે બાળકની ઉંમર 6 વર્ષથી ઓછી હશે. તેને આગળ પ્રવેશ મળશે નહીં. તેની જગ્યાએ સિનિયર કે. જી. રિપીટ કરવાનો અથવા તો બાળકને એક વર્ષ ડ્રોપ લેવાના સ્કૂલના નિર્ણય સામે વાલીઓએ મોરચો માંડ્યો છે. તેમ જ તેમના બાળકનું એક વર્ષ ન બગાડે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ મુદ્દાને લઈને વાલીઓ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
આવતા વર્ષથી જાહેરનામાની અમલવારીની માગઃ વાલીઓની રજૂઆત હતી કે, છેલ્લા કેટલાંય દિવસોથી જાહેરનામાના કારણે ગુજરાતના અસંખ્ય વાલીઓ શિક્ષણ અધિકારીઓની કચેરીઓમાં તેમ જ શાળાઓના ધક્કા ખાઈ રહ્યા છે અને વિગતો મુજબ સમગ્ર ગુજરાતમાં આશરે 3 લાખ વિદ્યાર્થીઓ આ જાહેરનામાના કારણે ધો 1માં ગણતરીના મહીનાઓ કે દિવસોના કારણે પ્રવેશથી વંચિત રહે તેમ છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેવી પરિસ્થિતિ હોય ત્યારે જાહેરનામાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ 2023-24ની જગ્યાએ વર્ષ 2024-25થી કરવામાં આવે તો તમામ મુશ્કેલીઓનું નિવારણ આવી શકે છે.
6 વર્ષના બાળકને જ મળશે પ્રવેશઃ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 31 જાન્યુઆરી 2020એ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાઈટ ટૂ એજ્યુકેશન રૂલ્સ 2012ના નિયમ ક્રમાંક-3માં સુધારો કરી શૈક્ષણિક વર્ષ 2023-24થી 1 જૂનના રોજ જે બાળકની ઉંમર 6 વર્ષની હોય તેવા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે. તેમ જ જો બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ ન થઈ હોય તેવા બાળકને પ્રવેશ અપાશે નહીં.
બાળકે ઘરે બેસવાનો આવે છે વારોઃ આ મામલે વકીલ હિતેષ ગુપ્તાએ જણાવ્યું હતુ કે, કોરોના કાળના થોડા જ દિવસ પહેલા બહાર પાડવામાં આવેલા આ પરિપત્ર કે, જેની જાણ વર્ષ 2020માં જૂન મહિનામાં કરવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં કેટલીક સ્કૂલોને આની જાણ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક સ્કૂલોને જાણ કરવામાં નહતી. આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, ગુજરાતના 3 લાખ વિદ્યાર્થીઓ કે જે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવાના હકદાર, જેમણે સિનિયર કે. જી પૂરું કરી દીધુ છે, પરંતુ સ્કૂલના જણાવ્યા મુજબ સિનિયર કે.જી રિપીટ કરવાનું જણાવાયુ છે. અથવા તો એક વર્ષ ઘરે બેસાડો તેવુ કહેવામાં આવ્યુ છે.
બાળક પર પડશે ખરાબ અસરઃ તેમણે જણાવ્યું હતું કે, આવું કરવાથી બાળકના માનસ પર ખરાબ અસર પડશે. એટલે આજે કલેક્ટરને પરિપત્ર પાઠવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે, અન્ય રાજ્યોમાં આ બાબતે રાહત આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ આ બાબતે રાહત આપવામાં આવે તેવી અમારી માંગ છે.