વડોદરા : શહેરમાં વકરી રહેલા રોગચાળાની સ્થિતિ અને આરોગ્યની સુખાકારી માટે કોર્પોરેશનનું આરોગ્ય ખાતું હરકતમાં આવ્યું છે. આજે શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલા પાણીપુરી બનાવતા યુનિટોમાં ઇન્સ્પેકશન કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન શહેરમાં 42 જેટલી પાણીપુરી બનાવતા યુનિટોમાં ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. જેમાં પાણીપુરી બનાવવામાં ઉપયોગમાં લેવાતા 200 કિલો જેટલા અખાદ્ય પદાર્થનો સ્થળ પર જ નાશ કરવા આવ્યો હતો.
શહેરમાં 42 યુનિટો પર તવાઈ : હાલમાં શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી અને ચોમાસું ઋતુને ધ્યાને લઈ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફિસર દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં 03 ટીમો બનાવી પાણીપુરી બનાવતા યુનિટોમાં તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા ઉકાજીનું વાડિયુ, ખોડીયાર નગર, બ્રહ્મા નગર, વારસીયા પરસુરામનો ભઠ્ઠો, વિસ્તારમાં આવેલા પાણી-પુરી બનાવતા 42 યુનિટોમાં સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
શહેર વાસીઓના આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને રૂલ્સ અને રેગ્યુલેશન-2011 અન્વયે સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર જનતા અખાદ્ય 200 કિલો જેટલા જથ્થાનો નાશ કર્યો છે સાથે અખાદ્ય જનતા પદાર્થોના નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી હતી. - ડો.મુકેશ વૈધ (અધિક આરોગ્ય અમલદાર)
200 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો : આ કામગીરી દરમિયાન શહેરમાં આરોગ્ય સાથે ચેડાં કરનાર અને યોગ્ય વસ્તુનો ઉપયોગ ન થતો હોવાથી ચેકીંગ દરમિયાન મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ જથ્થામાં બટાકા, ચણા, પુરી, ચટણી તેમજ પાણી-પુરીનું પાણી મળી કુલ અંદાજે 200 કિલો અખાદ્ય પદાર્થોનો નાશ સ્થળ પર જ કરવામાં આવ્યો હતો. આ સાથે અખાદ્ય જથ્થો વાપરનાર સામે નોટિસ આપી અને આવા પદાર્થ સાથે વેપાર ન કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી હતી.