- રાજકોટ સિવિલમાં 200થી વધુ ધમણ વેન્ટીલેટરો ધૂળ ખાતી હાલતમાં જણાઈ આવતા વિવાદ
- વડોદરા મહિલા કોંગ્રેસે તંત્ર સામે નારાજગી દર્શાવી
- કોંગ્રેસ પ્રમુખ સહિત મહિલા હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી
વડોદરા : કોરોનાના ચાલી રહેલા કપરા કાળમાં રાજ્યની જનતા એક એક વેન્ટિલેટર માટે, બેડ માટે વલખા મારીને મોતને ભેટી રહ્યા છે, ત્યારે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં સેંકડોની સંખ્યામાં વેન્ટીલેટરો દબાવીને બેઠેલા લોકો સામે કાર્યવાહી કરવા અને સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસ કરાવી ઉપયોગી વેન્ટીલેટરો અન્યત્ર ઉપયોગમાં લેવાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની માંગણી સાથે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નીલાબેન શાહની આગેવાનીમાં કાઉન્સિલર અમીબેન રાવત સહિત મહિલા હોદ્દેદારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ પણ વાંચો : વડોદરામાં રસીકરણ સેન્ટરોની બહાર ‘આજે રસીકરણ સત્ર નથી’ના બોર્ડ લાગ્યા
તાત્કાલિક જરૂર હોય ત્યાં વિતરણ કરવાની માંગણી કરવામાં આવી
આ અંગે કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે જણાવ્યું હતુ કે, ધમણ વેન્ટિલેટર જ્યારથી આવ્યા છે, ત્યારથી વિવાદમાં છે. સૌપ્રથમ એની ક્વોલિટી બાબતે પ્રશ્નાર્થ થયા હતા. એ પછી એમાં આગ લાગી હતી. મુખ્યપ્રધાને પોતે એવું જણાવ્યું હતું કે, આ સારામાં સારી ક્વોલિટીના છે. જો સારી ક્વોલિટીના વેન્ટિલેટર હોય તો જ્યારે અમારા પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા રાજકોટની મુલાકાતે ગયા હતા. જ્યાં સેંકડો વેન્ટિલેટર ધૂળ ખાતા પડ્યા હતા અને ઘણા સમયથી ઉપયોગમાં નહીં લેવામાં આવ્યા હોય તેવા પડ્યા છે. એક બાજુ શહેરોમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની અછત છે. આવા સમયે જરૂરિયાત છે તો કેમ આ વેન્ટીલેટરોને ઉપયોગમાં લેવાતા નથી. જો ઉપયોગી સાધનો આ રીતે વેસ્ટ થતા હોય તો તાત્કાલિક જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તાત્કાલિક જ્યાં એની જરૂર હોય ત્યાં તેનું વિતરણ કરવામાં આવે. નહીં તો પછી આ ખરાબ ક્વોલિટીના વેન્ટિલેટર હોય તેવું જાહેર કરવામાં આવે તેની તપાસ બાબતે ધ્યાન દોરવામાં આવે અને કેમ આ રીતે સરકારી પૈસાનો બગાડ થઈ રહ્યો છે, તેની સ્પષ્ટતા કરવામાં આવે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો : બરોડા મેડિકલ કોલેજ ખાત્તે પ્રોફેસર્સ અને ડોક્ટર્સની બેઠક, સરકાર સામે હડતાળની ચીમકી
વેન્ટીલેટરોનો જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે : નીલાબેન શાહ
શહેર પ્રમુખ નીલાબેન શાહે જણાવ્યું હતું કે, અમે કલેક્ટર અને રાજ્યપાલને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જ્યારે આટલા બધા લોકોના જીવ જોખમમાં છે, વેન્ટિલેટર નથી મળતા. આવી ભયંકર પરિસ્થિતિમાં રાજકોટમાં સંખ્યાબંધ વેન્ટીલેટરો ધૂળ ખાતી હાલતમાં મળી આવ્યા છે. એક બાજુ લોકો મરવા પડ્યા છે. તો શા માટે આ વેન્ટીલેટરોનો ઉપયોગ કરવામાં નથી આવતો. માટે આ વેન્ટીલેટરોનો જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવા માટે આવ્યા હોવાનું શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ નીલાબેન શાહે જણાવ્યું હતું.