વડોદરાઃ શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ હામરો નીધી ફાયનાન્સ વિરુદ્ધ એજન્ટ જ્યોતિબેન સોનીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હામરો નીધી ફાયનાન્સ કંપનીમાં રોકાણકારોના લાખો રૂપિયા જમા થયેલા છે. ઊંચા વ્યાજ આપવાની લોભામણી લાલચે અનેક મધ્યમવર્ગના પરિવારોએ રીકરીંગ ખાતું ખોલાવી નાણાં રોક્યા હતા.
એજન્ટની મધ્યસ્થી વચ્ચે ખાતેદારોએ રોકેલા નાણાંની પરત માંગણી કરવામાં આવતા જેને પરત આપવામાં ઠાગાઠૈયા થતા કંપનીનું ઉઠામણું થયું હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે જ્યોતિબેન સોનીએ સયાજીગંજ પોલીસ મથકે કંપનીના 7 ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 114 ખાતેદારોની 21 લાખ જેટલી રકમ ફાયનાન્સ કંપનીમાં ફસાઈ ગયેલ હોવાની માહિતી મળી હતી.
ઉલ્લેખનીય છે કે, કંપનીમાં જ્યોતિબેન સોની સહિત 31 જેટલાં અન્ય એજન્ટ છે. હાલ તો, આ ફરિયાદ બાદ કરોડોનું ઉઠામણું બહાર આવે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.