વડોદરા: જે દરમિયાન શહેરમાં મોપેડ ઉપર જઈ રહેલા 7 મહિલાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ચીલઝડપ કરનારા 4 આરોપીઓને શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી 5 સોનાની ચેન સાથે કુલ 3.90 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
ગળામાં પહેરેલી સોનાની ચેઈન: ક્રાઇમબ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. વડોદરામાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલ વિવિધ ફરિયાદોના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચેઈન સ્નેચિંગના ગુનાઓ અંગે સીસીટીવી ફુટેઝ, ટેક્નીકલ ફુટેઝ અને હ્યુમન સોર્સ આધારીત સતત તપાસ દરમિયાન સિદ્વાર્થ ઉર્ફે બુબુ ગુપ્તા (રહે. વાધોડીયા)ના જુદા-જુદા સાગરીતો સાથે જુદી-જુદી મોટર સાયકલનો ઉપયોગ કરી મહિલાઓને ટાર્ગેટ કરી મહિલાઓના ગળામાં પહેરેલી સોનાની ચેઈન આંચકી તોડી ચેઈન સ્નેચિંગના ગુનાઓ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી આ ઈસમની શોધખોળ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપી (1) સિદ્વાર્થ ઉર્ફે બબુ અનિલભાઈ ગુપ્તા (રહે. વડોદરા,મૂળ-ઉત્તરપ્રદેશ) અને તેના સાગરિત (2) મોહમંદસાબીર ઉર્ફે સકલીન જાકીરહુશૈન પાનાગર(રહે. વડોદરા,મૂળ-ઉત્તરપ્રદેશ)ને શંકાસ્પદ બજાજ પલ્સર મોટર સાયકલ સાથે વાધોડીયા રોડ વૈકુંઠ-1ના નાકા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
સાયકલ સાથે ઝડપી: અન્ય આરોપીઓના નામ કબુલ્યા છે. આ બંને પાસેથી વધુ પૂછતાછ બાદ અગાઉ ચેન સ્નેચિંગની ઘટના અને માહિતી આપી હતી. જેમાં 18 દિવસ પહેલા સોનાની ચેન તોડેલાની તેમજ સિદ્વાર્થ ગુપ્તાએ તેના ભાઈ લાલકુમાર ઉર્ફે વિકાસ તેમજ અન્ય સાગરીત સાથે મળીને પાંચ ચેઈન સ્નેચીંગના ગુના વડોદરા શહેરમાં કરેલા કબુલ્યું હતું. સાથે જ આ સિદ્વાર્થ ગુપ્તાને સાથે રાખી તેના સાગરીત નં(3) ભાઈ-લાલુકુમાર ઉર્ફે વિકાસ અનીલભાઈ ગુપ્તા અને નં(4) સાગર મહેશબાઈ પરમારને હાઈવે પાસેથી શંકાસ્પદ નંબર પ્લેટ વગરની બજાજ પલ્સર મોટર સાયકલ સાથે ઝડપી પાડ્યા હતા.
પોલીસ મથકમાં ગુન્હા: ઝાડપાયેલ આરોપીઓ પાસેથી પાંચ જેટલી સોનાની ચેઈન રિકવર કરી જેની કિંમત રૂપિયા 2,80,410 સહિત બે ટુ વ્હીલર મળી કુલ કિંમત રૂપિયા 3,90,410નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી હતી. પકડાયેલા આરોપીઓએ શહેરના તરસાલી રવીપાર્ક ચાર રસ્તા પાસેથી, મકરંદ દેસાઈ રોડ સ્વામીનારાયણ મંદિર પાછળ, જુના પાદરા રોડ વોર્ડ નં-6ની ઓફિસ સામે, જુના પાદરા રોડ રીલાયન્સ મોલ પાછળ, આર.વી.દેસાઈ રોડ ગોયાગેટ સોસાયટી ખઆતે રોડ ઉપરથી મોપેડ ઉપર ચાલક તરીકે તેમજ ચાલકની પાછળ બેસીને પસાર થઈ મહિલાઓ ગળામાંની સોનાની ચેઈનો આંચકી ગુનો આચર્યો હતો. જેથી આ મામલે જે.પી.રોડ, ગોત્રી, નવાપુરા અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા હતા.