વડોદરા : દિન પ્રતિદિન ઠગાઈના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પાછળ લોકોની બેદરકારી અને લાલચ મુખ્ય કારણ જવાબદાર છે. શહેરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાયીને મહારાષ્ટ્રમાં સસ્તી જમીન અપાવવાના નામે અમદાવાદના માતાપુત્ર સહિત ત્રિપુટીએ મળીને 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.આ બંન્નેએ 20 કરોડ રૂપિયાના ચેક લઇને તે ચેક બાઉન્સ કરાવીને 138ના ખોટા કેસ કર્યાં હતા. આ અંગે ગોત્રી પોલીસ મથકમાં ત્રિપુટી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ ફરિયાદમાં જમીનની લે વેચ બાબતે છેતરપિંડી થઈ છે. જેમાં 138 મુજબની ફરિયાદ ખોટી કરી હતી અને તે બાબતે હાલમાં તપાસ ચાલુ છે. આ ત્રણે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે...એમ. આર સંગાડા(પીઆઈ,ગોત્રી પોલીસ મથક)
ત્રિપુટી સામે લાખોની છેતરપિંડીની ફરિયાદ : શહેરના ઓલ્ડ પાદરા રોડ પર રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ગિરીશભાઇ શાહે ગોત્રી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સરોજ અમ્રીશભાઇ પટેલ (રહે. લાઇન-17, સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ, અમદાવાદ), સીમીલ અમ્રીશભાઇ પટેલ (લાઇન-17, સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ, અમદાવાદ) અને હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર (રહે.જલારામ સોસાયટી, વિજાપુર, જિ. મહેસાણા)એ ભેગા મળીને કાવતરું રચીને હિતેન્દ્રસિંહ પરમારે મીડિયેટર તરીકે રહીને મહારાષ્ટ્રના ભીવંડીમાં જમીન સસ્તામાં કરી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ મારી પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને પછી 138ના ખોટા કેસો પરત ખેંચવાનું કહીને 5 લાખ રૂપિયા પડાવ્યા હતાં.
20 કરોડના ચેક લીધા : ફરિયાદીએ જણાવ્યું છે કે સરોજબેન પટેલ અને તેમના પુત્ર સીમિલ પટેલે મને વિશ્વાસમાં લઇને મારી પાસેથી જમીનના દસ્તાવેજ કરાવવવાનું કહીને પહેલા 10 કરોડનો ચેક લીધો હતો અને ત્યારબાદ ચેક પરત કરવાનું કહીને મહિને તેના બદલામાં પાંચ-પાંચ કરોડના બે ચેક લીધા હતા. આમ મારી પાસે કુલ 20 કરોડ રૂપિયાના ચેક લીધા હતા.
138 મુજબ ખોટો કેસ કર્યો : બાદમાં બંને માતાપુત્રે ફરિયાદીને જમીનનો દસ્તાવેજ ન કરી આપીને વિશ્વાસઘાત કર્યો હતો. એટલું જ નહીં ફરિયાદીની પાસે જમીન પેટે 35 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ રૂપિયા આપ્યા નહોતા જેથી તેઓએ આપેલા ચેક બેંકમાં જમા કરાવીને 138ના ખોટા કેસ કર્યાં હતાં.
ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી : આ અંગે ગોત્રી પોલીસે માતા સરોજ અમ્રીશભાઇ પટેલ, પુત્ર સીમીલ અમ્રીશભાઇ પટેલ (લાઇન-17, સત્યાગ્રહ છાવણી, સેટેલાઇટ, અમદાવાદ) અને હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ પરમાર સામે છેતરપિંડીનો ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. આ છેતરપીંડી અંગે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ છેતરપિંડી પાછળ અન્ય કોઈ છે કે કેમ, અન્ય લોકો સાથે છેતરપિંડી આચરી છે કે કેમ? તે દિશામાં ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.