વડોદરા: રાતે ઠંડીથી રક્ષણ મેળવવા માટે કોલસા ભરેલી સગડી ચાલુ રાખીને રૂમના બારી બારણા બંધ કરીને સૂઇ ગયેલા દંપતીનું ઝેરી ગેસના કારણે ગૂંગળાઇ જવાથી મોત થયું હતું. પોલીસ માટે આ ચોંકાવનારી ઘટનામાં એફએસએલની મદદ લેવામાં આવી છે. હાલમાં મૃત દંપતિનું મોત ધુમાડાના કારણે થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે.આ અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખાનગી કંપનીમાં નોકરી: પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કરચિયા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા વિનોદ ડાહ્યાભાઇ સોલંકી રણોલીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનું બીજું ઘર દશરથ ગામથી આજોડ ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ક્રિષ્ણાવેલી સોસાયટીમાં છે. તેઓ અઠવાડિયામાં બે-ત્રણ વખત આ ઘરમાં ઊંઘવા માટે આવે છે. ગઇકાલે રાતે વિનોદ અને તેમના પત્ની ઉષા ક્રિષ્ણાવેલી સોસાયટીના ઘરમાં ઊંઘવા માટે આવ્યા હતા. રાતે તેઓ ઠંડીના કારણે એક તગારામાં કોલસા ભરી તાપણું ચાલુ રાખીને સૂઇ ગયા હતા. સવારે તેમના પુત્રે ફોન કરતા તેઓએ ફોન રિસિવ કર્યો ન કર્યો.
પોલીસ ઘટના સ્થળે: મોટો પુત્ર અને ભત્રીજો ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં જઇને તેઓએ ઘરનો દરવાજો ખખડાવતા માતા - પિતાએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી,મકાનના પાછળના દરવાજાની સાંકળ ખોલીને તેઓ અંદર ગયા હતા. ઘરમાં જઇને તેમણે ઉપરના માળે બેડરૂમમાં તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો. તેમણે લાત મારી દરવાજો ખોલતા બેડરૂમની પથારી પર તેમના માતા પિતાના મૃતદેહ હતા. જે અંગે છાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી બંને મૃતદેહને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.
મૃતદેહ મોકલ્યા: પોલીસને રૂમમાંથી કોઇ દવા કે અંતિમ ચિઠ્ઠી મળી નથી. પોલીસનું અનુમાન છે કે,રાતે કોલસાની સગીડી ચાલુ રાખીને તેઓ સૂઇ ગયા હતા. અને રૂમના બારી બારણા બંધ હોવાથી ઝેરી વાયુની અસરના કારણે ગૂંગળાઇ જવાથી તેઓના મોત નિપજ્યા હોવાની શક્યતા સેવાઇ રહી છે. જો કે, પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં પોલીસે આ મૃતદેહને કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ફરી છે.