વડોદરા : જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટર અતુલ ગોરે NFSA યોજનાનો વ્યાપ વધારવા માટે જનપ્રતિનિધિઓના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનાને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે પણ ભાર મૂક્યો હતો.
55 હજાર પરિવારોને શોધીને લાભો : વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના રાશન કાર્ડ આપવા માટે ઝૂંબેશના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ ખાસ ઝુંબેશ દરમિયાન જિલ્લામાં 55 હજાર પરિવારોને શોધીને લાભો આપવામાં આવ્યા છે. ધારાસભ્યોએ પણ જો તેમના વિસ્તારમાં જરૂરતમંદ અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓની વિગતો મળે તો તેની યાદી આપવા અપીલ કરવામાં આવી હતી. ધારાસભ્યઓએ જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.
જરૂરતમંદ લાભથી વંચિત ના રહે : પ્રધાનમંત્રી આવાસ યોજનાના વર્તમાન તબક્કામાં લાભાર્થીઓની યાદી મંજુર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે તે બાબતે કલેકટર ગોરે એવું સૂચન કર્યું કે, ખરા અર્થમાં જરૂરતમંદ હોય એવા લાભાર્થીઓ યોજનાના લાભથી વંચિત ના રહી જાય તેની તકેદારી રાખવી જોઇએ. યોજનાનો લાભ આપતા પહેલા તેની પાત્રતા ચકાસણી કરવા માટે કલેકટરે સૂચના આપી આ માટે કાર્યપ્રણાલી વિકસાવવા કહ્યું હતું.
આ પણ વાંચો : MS University Controversy 12 નાપાસ વિદ્યાર્થિનીને મળ્યું એડમિશન, 6 મહિના પછી ફૂટ્યો ભાંડો
દબાણો દૂર કરવાની કાર્યવાહી : આ બેઠકમાં કલેક્ટરે સ્પષ્ટ પણે જણાવ્યું કે, સરકારી જમીનો ઉપર થતાં દબાણો દૂર કરવા માટેની વ્યાપક કાર્યવાહી ચાલી રહી છે. આ માટે વહીવટી તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગના કાયદાનો પણ ઉ૫યોગ કરવામાં આવ્યો છે. હજુ પણ આ કાર્યવાહી શરૂ રહેશે. જનપ્રતિનિધિઓ દ્વારા પાણી, રેલવે, વીજળી, માર્ગો, આંગણવાડી, પ્રવાસન, આરોગ્ય વિષયક સેવાઓ સહિતના પ્રશ્નોના સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Vadodara Constable : પ્રેમી સાથે ઝડપાયેલાં ડભોઈના મહિલા કોન્સ્ટેબલની તાત્કાલીક અસરે બદલી
કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા : આ વેળાએ ધારાસભ્ય શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા, કેયુર રોકડિયા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી ડો. રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, નાયબ પોલીસ કમિશનર સુશ્રી જુલી કોઠીયા, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, અધિક કલેક્ટર ગોપાલ બામણીયા અને સુશ્રી મિતા જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.