વડોદરા શહેરની બરોડા ડેરી (Baroda dairy) વધુ એક વખત વિવાદમાં આવી છે. આજે 200થી વધુ પશુપાલકો બરોડા ડેરી (cattle farmers protest outside dairy) ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ બોનસ સહિતની માંગને લઈને ધરણા પર બેઠા છે. પશુ પાલકોના આક્ષેપ છે કે બરોડા ડેરી દ્વારા તેઓને છેલ્લા એક વર્ષથી બોનસ આપવામાં આવ્યું નથી. વહીવટદાર પણ કોઈ કાર્યવાહી કરતાં નથી. જેથી જ્યાં સુધી અમારી માંગ સ્વિકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ભૂખ હળતાળ કરીશું તેવી પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે.
ભૂખ હડતાળ વડોદરા પાદરા તાલુકાના કોટના ગામના 200થી વધુ પશુપાલકો બરોડા ડેરી (Baroda dairy) ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સુત્રોચ્ચાર સાથે ડેરી સત્તાધીશોને પોતાની માંગણીઓ મામલે રજુઆત કરી હતી. આ પશુપાલકો સાથે બરોડા ડેરી દ્વારા અન્યાય થયો હોવાનું ફરિયાદ ઉઠી છે. આ વિશે વાત કરતાં એક મહિલા પશુ પાલકે જણાવ્યું હતું કે, ઓગષ્ટ મહિનામાં તમામ પશુપાલકોને બોનસ મળે છે. પરંતુ આ ઓક્ટોબર મહિનો આવી ગયો હોવા છતાં હજુ સુધી અમને બોનસ મળ્યું નથી. અમે બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાને રજુઆત કરવા આવ્યા છે. જો અમને બોનસ નહીં મળે તો અમે ભૂખ હડતાળ કરીશું. જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સ્વિકરાવામાં આવે ત્યાં સુધી અમે અહિંયાથી હલીશું પણ નહીં.
પશુપાલકોને બોનસ મહિલા પશુપાલક લક્ષ્મી પઢીયાએ કહ્યું કે સમયસર બોનસ ન મળવાને કારણે અમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. છેલ્લા એક વર્ષથી અમે બોનસ માટે રજુઆત કરી રહ્યા છે. પરંતુ અમને માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. ગયા વર્ષે પણ પૂરતુ બોનસ આપવામાં નથી આવ્યું. બરોડા ડેરી દ્વારા અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. આ મહિલા પશુપાલકે ડેરીના સત્તાધીશો સામે આક્ષેપ કરતા કહ્યું કે, વડોદરા જિલ્લાના તમામ ગામના પશુપાલકોને બોનસ આપવામાં આવ્યું છે. પરંતુ કોટના દુધ મંડળીના પશુપાલકોને જ બોનસ ચુકવવામાં નથી આવ્યું. જેથી આજે અમે બધા અહિંયા ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે.
હિસાબ અટકેલો બિજા એક પશુપાલકે રાજુભાઈએ આ વિશે વાત કરતાં જણાવ્યું કે, અમારૂ છેલ્લા એક વર્ષથી બોનસ અટકેલું છે. જે બરોડા ડેરી દ્વારા ચુકવવામાં આવ્યું નથી. સાત મહિનાથી વહિવટદાર નિમેલા છે. પરંતુ તેમના દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેથી આજે અમે અહિંયા અમારી રજુઆત લઈને પહોંચ્યા છે. અમારી બે માંગ છે કે અમને અમારૂ બોનસ આપવામાં આવે, અને વહિવટદારની બદલી કરવામાં આવે. મહત્વનું છે કે પશુપાલકોના આગેવાનો ડેરીની રજીસ્ટ્રાર ઓફિસ ખાતે જઈને રજુઆત કરી હતી. પશુ પાલકે વધુમાં જણાવ્યું કે, જે વહિવટદાર થકી જુના મંત્રીઓ ચોપડા અને હિસાબ આપતા નથી. જેના લીધે અમારો તમામ હિસાબ અટકેલો છે. અમને માત્ર આશ્વાસન જ મળે છે. અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. જો હવે પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરશું
ટેલિફોનિક વાતચિત ટેલિફોનિક વાતચિતમાં બરોડા ડેરીના ચેરમેન (Baroda Dairy Chairman) દિનેશ પટેલ ઉર્ફે દીનું મામાએ જણાવ્યું હતું કે આ મંડળી દ્વારા આગાઉ ગોટાળો કરવામાં આવ્યો હતો. જેથી મંડળીના પ્રમુખ અને ઉપપ્રમુખને દૂર કરી હાલ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. હિસાબોમાં ગોટાળા અંગેની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે મામલો હાલ કોર્ટ મેટર છે.