વડોદરા: આજકાલ અકસ્માત સામાન્ય બનતા હોય તેવું લાગી રહ્યું છે. રોજે રોજ મહાનગરોમાં અકસ્માતની ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે. આજના દિવસે અમદાવાદ બગોદરા પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ત્યારે સામી સાંજે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરાના કેલનપુર પાસે એક્ટિવા પર જઈ રહેલા બે યુવાનને ટ્રકે અડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતા વરણામા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
યુવાનોના ઘટના સ્થળે જ મોત: મળતી વિગતો અનુસાર વડોદરા પાસેથી પસાર થઈ રહેલ નેશનલ હાઇવે પર કેલનપુરથી સત્તારપુરા ગામના કટ પાસે અમિત ગોપાલભાઈ રાઠોડ 23આ(રહે.141, જયઅંબેનગર, આજવા રોડ, વડોદરા) અને પ્રકાશ નરેન્દ્રભાઈ સોની (રહે. B-125, ખોડીયારનગર, કિશનવાડી, વડોદરા) પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુર ઝડપે ટ્રક યમદૂત બની આવ્યો હતો અને બંને યુવાનોને અડફેટે લીધા હતા. ટ્રકે અડફેટે લેતા બંને યુવકો ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા. ગંભીર ઈજાને પગલે બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
ઘટના સ્થળે જ મોત: આ અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઇવે પર લોકો એકત્ર થઈ ગયા હતા. અને આ ગોઝારી ઘટનામાં ઘાયલ યુવકોને સારવાર માટે ખસેડવા એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઈ હતી. આ ઘટનાને પગલે વરણામા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી. બીજી તરફ એમ્બ્યુલન્સને જાણ કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી બંને યુવકોને ચેક કરતા મૃત જાહેર કર્યા હતા.
પરિવારમાં શોકની લાગણી: આ ઘટનાને પગલે બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત થતાં પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતની ઘટનામાં બે યુવાનના મોત થતા પરિવારજનોએ હોસ્પિટલમાં આક્રંદ કર્યું હતું. આ ઘટનાની જાણ હિતેચ્છુ અને મિત્રોને થતા મોટી સંખ્યામાં સયાજી હોસ્પિટલ પરિસરમાં એકઠા થયા હતા. આ યુવકોના મોતને લઈ ગમગીની ફેલાઈ હતી. આ યુવાનોના પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવશે. આ મામલે વરણામાં પોલીસે ગુન્હો નોંધી ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.