વડોદરાઃ શહેરના એક યુવાને લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણીના સંદેશા સાથે ભારતમાં 40,000 કિલોમીટરનો પ્રવાસ ખેડવાનું અકલ્પનીય સાહસ કર્યું છે. આ યાત્રા પૂર્ણ થતાં તેમને પાંચ વર્ષ સુધીનો સમય લાગશે. ત્યારે શહેરીજનોએ આ યુવકની હિંમતને બિરદાવી હતી અને તેમના સંદેશાને પ્રેરણાદાયી ગણાવ્યો હતો.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે વડોદરાના યોગેન શાહે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણનું જતન કરવાનો સંદેશો પાઠવવા 40,000 કિલોમીટરની પગપાળા યાત્રા શરૂ કરી છે. આ યાત્રા સમાપ્ત કરતા પાંચ વર્ષનો સમય લાગશે. યુવક પ્રથમ ચરણમાં વડોદરાથી દિલ્હી સુધીનો પ્રવાસ ખેડશે.
યાત્રા દરમિયાન યોગેન શાહે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં કોરોના વાઇરસની મહામારી ફેલાઈ છે, ત્યારે આ વાઇરસથી રક્ષણ મેળવવા એક જ ઉપાય છે અને તે જોતા દરેક નાગરિકે પોતાના સ્વાથ્ય પ્રત્યે કાળજી રાખવી જરૂરી છે, તે માટે પોતે પણ તંદુરસ્ત રહેવું અને બીજાને પણ તંદુરસ્ત બનાવવામાં સહભાગી થવું અને બને તેટલું ચાઈનીઝ ફૂડ આરોગવાનું ટાળી ડ્રાયફ્રુટ અને ફ્રુટ પર ફોકસ કરવું જોઈએ, તદુપરાંત પર્યાવરણની જાળવણી પણ આપણી નૈતિક ફરજ છે.