- વડોદરા મનપાની દબાણ ટીમે આજવા રોડ પર દબાણ હટાવ્યું
- ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું
- સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી
વડોદરા : શહેરના આજવા રોડ પર પૂર્વ ઝોન વહીવટી વોર્ડ નંબર 9 વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. જેમાં રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની નોટિસ આપ્યા બાદ પાલિકાના દબાણ શાખાની ટીમ, બાપોદ પોલીસ મથકનો કાફલો, GEB સ્ટાફ સહિતના અધિકારીઓ આ કામગીરીમાં જોતરાયા હતા.
વડોદરાના આજવા રોડ પર દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવાયું બાપોદ પોલીસ,જીઈબી,આરોગ્ય,ટીપી સહિતની ટીમો ડિમોલેશનની કામગીરીમાં જોડાઈ વડોદરા શહેરના આજવા રોડ સયાજીપુરા ટીપી 6 ખાતે સહજ વિદ્યાલય માર્ગ ઉપર બાપાસીતારામ નજીક આવેલા 12 મીટરના રોડ પર 44 મિલકત ધારકોએ પોતાના ગેરકાયદેસર વધારાના બાંધકામ કરી દીધા હતા. 2 મકાન સહિત કેટલાંક મકાનના ઓટલા શેડ, દાદર તેમજ મકાનનો અન્ય કેટલોક ભાગ રોડ લાઈનમાં આવતો હોવાથી તેને દૂર કરવા માટે પાલિકા તંત્રે નોટિસો ફટકારી હતી. આમ છતાં આ મિલકતધારકોએ પોતાના દબાણ યથાવત્ રાખ્યા હતા. આખરે પાલિકાની દબાણ ટીમે અહીં બુલડોઝર ફેરવી દીધું હતું અને જગ્યા ખુલ્લી કરી હતી. સમગ્ર કામગીરી વખતે કોઈ વિવાદ ન થાય તે માટે પોલીસનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત ડિમોલિશનની કામગીરી વખતે આરોગ્ય, ટીપી MGVCL સહિતનો સ્ટાફ પણ જોડાયો હતો.