વડોદરા : વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ 4 ના સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. વહેલી સવારે સફાઇ કર્મચારીઓ પોતાની કામગીરીથી અળગા રહ્યા હતાં. કર્મચારીઓનું માનીએ તો તેમને કોવિડ -19 વોર્ડમાં કામગીરી કરાવવામાં આવી હતી. પરંતુ તેનું વળતર યોગ્ય પ્રમાણે આપવામાં આવ્યું નથી. જ્યારે આખો મહિનો કાર્યક્મ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા પગાર કાપી લેવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતાં.
જયારે કોન્ટ્રાક્ટર દ્વારા પુરતુ વેતન આપવામાં આવ્યું હોવાનું કોન્ટ્રાકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં ભેગા થયેલા કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતાં કે, તેઓ કોરોના મહામારી વચ્ચે પણ આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવે છે. પરંતુ સરકારી ધારા ધોરણ પ્રમાણે આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વધારાનું વેતન તો બીજી તરફ પરંતુ સરકાર દ્વારા જે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે, તેનો પણ કોઈ અમલ કરવામાં આવતો નથી. આ મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સફાઇ કર્મચારીઓ દ્વારા અવાર નવાર સત્તાધીશોને રજુઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા તેમની માંગણી સંતોષાતી નથી. જે આગામી દિવસોમાં તેમની માંગણી નહિં સંતોષાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.