વડોદરાઃ જિલ્લાની 147 કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજવાનો કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ. મુરલીકૃષ્ણએ ગૂરૂવારના રોજ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ.એસ.મુરલીકૃષ્ણએ કરજણની પેટા ચૂંટણીના સંદર્ભમાં વિધાનસભા વિસ્તારમાં લાગુ પડતી અને સમગ્ર જિલ્લાને સ્પર્શતી આચાર સંહિતાની બાબતમાં વિગતવાર માર્ગદર્શન આપીને તેનો ચુસ્ત અને સચોટ અમલ થાય તે જોવા અનુરોધ કર્યો હતો.
ચૂંટણી યોજવાની બાબતમાં ભારતના ચૂંટણી પંચની કોરોના વિષયક તકેદારીના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ફોર્મ સ્વીકારવાથી લઈને મતદાન અને મત ગણતરીના તબક્કા સુધીની વ્યવસ્થા અને તકેદારીઓનો વિનિયોગ કરી ચૂંટણી વ્યવસ્થા ગોઠવાય તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ચૂંટણીના આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓને દરેક તબક્કે આ સૂચનાઓનું પાલન થાય તે જોવા સૂચના આપી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જોષી, કરજણ બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ઉપસ્થિત રહ્યાં હતાં.