વડોદરાઃ પાદરા પોસ્ટ ઓફિસમાં અપૂરતા સ્ટાફ અને અપૂરતી સગવડોથી ગ્રાહકોમાં રોષની લાગણી ઊભી થઈ રહી છે. પાદરા પોસ્ટ ઓફિસ વડોદરા શહેરની બહાર મુખ્ય હાઇવે પર આવેલી છે. જ્યાં વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબીલાંબી લાઈનો લાગી જાય છે. બીજીતરફ વિન્ડોમાં અપૂરતા સ્ટાફથી કલાકો સુધી કામ પૂરું ન થતાં ગ્રાહકો અટવાય છે.
ખાસ કરીને સિનિયર સીટીઝન અને વિકલાંગો માટેની કોઈ જ પ્રકારની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી નથી. બેસવા માટે, પ્રસાધન, પીવાના પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થાનું નામોનિશાન નથી. તો વળી દિવ્યાંગોને બીજા માળે ચડવા માટે અલગ રેમ્પ કે લીફટની વ્યવસ્થા પણ નથી.
ગત માસે વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ દવારા 7 દિવસમાં સિનિયર સીટીઝન માટે ભોંયતળિયે વ્યવસ્થા કરવા હુકમ કર્યો હતો પરંતુ પોસ્ટના અધિકારીઓ દ્વારા આદેશના ધજાગરા ઉડાવવામાં આવ્યાં હતાં , ધારાસભ્ય દ્વારા પણ અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો.
પાદરા પોસ્ટ ઓફિસ બીજા માળે હોવાથી ખાસ કરીને સીનિયર સિટીઝનો અને દિવ્યાગોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ અંગે વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગે પાદરા પોસ્ટ ઓફિસમાં કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાથી હૈયાવરાળ કાઢી હતી.