વડોદરાઃ કેતનભાઈ ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ ધરી દીધું છે. તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને સાવલીના ધારાસભ્ય પદ પરનું પોતાનું રાજીનામુ ઈમેઈલ મારફતે મોકલ્યુ છે. રાજીનામા બાદ તેમણે કારણ આપતા મીડિયાને કહ્યું કે, પ્રદેશમાં પ્રશ્નોની અવગણના થતી હતી. લાંબા સમયથી મારા પ્રશ્નો લંબિત હતા. મારા વિધાનસભા ક્ષેત્રમાં કરવાના કામ અટકી પડ્યા હતા.
આ સાથે જ તેમણે કહ્યું કે, મારે સંગઠનમાં કોઈ વિખવાદ નથી. પરંતુ મારા આત્માનો અવાજ દબાતો હતો. મારા વિસ્તારમાં વિકાસના કાર્યો નહોતા થતા. વિવિધ વિકાસ કાર્યો માટે અનેકવાર રજૂઆત કરી છે. બે ટર્મ દરમિયાન રજૂ કરેલા કેટલાય પ્રશ્નો લંબિત પડ્યા છે. છતાં કોઈ નિરાકરણ આવતું ન હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે વહીવટી તંત્ર અને સરકારી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે.
અગાઉ કેતનભાઈ ઈનામદારે પક્ષ સરકાર સમક્ષ પોતાનો અસંતોષ રજૂ કર્યો હતો. ત્યારે હવે અવગણનાને કારણે તેમણે અંતે રાજીનામુ આપી દીધુ છે. તેમના રાજીનામા બાદ વડોદરા સહિત ગુજરાતના રાજકારણમાં ભૂંકપ સર્જાયો છે.