- સલાઉદ્દીન શેખને વધુ 2 દિવસના રિમાન્ડ પર લેવાયો
- ઉત્તર પ્રદેશ અને ગુજરાત ATSએ સંયુક્ત તપાસ હાથ ધરી
- વિદેશથી આવેલુ ફંડ હવાલા મારફતે ઉત્તર પ્રદેશના ઉમર ગૌતમને મોકલાયું
વડોદરા : ઉત્તર પ્રદેશના ધર્માન્તરણ કેસમાં ઉત્તર પ્રદેશ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (ATS) દ્વારા ઉમર ગૌતમ તેમજ મુફ્તી કાઝી જહાંગીર કાસ્મીને ઝડપી પાડયા પછી ઉમર ગૌતમને હવાલા મારફતે મળેલા રૂપિયાની તપાસ દરમિયાન વડોદરાના ફતેગંજમાં રહેતા અને વડોદરામાં આફમી ટ્રસ્ટના નેજા હેઠળ મેડિકલ, એજ્યુકેશન અને ગરીબોને લગતી પ્રવૃત્તિ કરનાર ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશ ATSના અધિકારીએ હવાલા મારફતે ફંડ મોકલવામાં આવ્યું હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. સલાઉદ્દીનને સાત દિવસના રિમાન્ડ પર લેવાયો હતો.
આ પણ વાંચો : UP Conversion Case : તપાસનો રેલો વડોદરા પહોંચ્યો, ATSના અધિકારીઓએ આરોપીના ઘરની તપાસ કરી
રિમાન્ડની માંગણી કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સલાઉદ્દીનના રિમાન્ડ પુરા થતા હોવાથી ઉત્તર પ્રદેશ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (ATS) દ્વારા સ્પેશિયલ કોર્ટમાં સલાઉદ્દીનના સ્થાનિક સંપર્કો તેમજ નાણાકીય વ્યવહારની તપાસ માટે વધુ સમયની માંગણી કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવતાં કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉત્તર પ્રદેશના ધર્માન્તરણ પ્રકરણમાં વિદેશથી આવેલુ ફંડ હવાલા મારફતે ઉત્તર પ્રદેશના ઉમર ગૌતમને મોકલવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Conversion Case: UPમાં આજે ધર્માંતરણ કેસમાં બંને આરોપીના રિમાન્ડ પર સુનાવણી
વડોદરા પોલીસના ત્રણ અધિકારીઓને આ મુદ્દે વિશેષ કામગીરી સોંપાઇ
ઉત્તર પ્રદેશ એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (ATS) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પછી ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને વડોદરા SOG પણ આ મુદ્દે તપાસ કરી રહી છે. વડોદરા પોલીસના ત્રણ અધિકારીઓને આ મુદ્દે વિશેષ કામગીરી સોંપવામાં આવી છે. પોલીસે સલાઉદ્દીનના નિકટના કેટલાક લોકોના નિવેદનો પણ લીધા હોવાની વિગતો પોલીસ બેડામાં ચર્ચામાં રહી છે.