વડોદરાઃ શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછના બહાને લવાયેલા શખ્સ શેખબાબુની હત્યા કરવામાં આવી હતી. બાદમાં તેના મૃતદેહનો નિકાલ કરવાના બનાવમાં સંડોવાયેલા PI અને PSI સહિત 6 પોલીસ જવાનોના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જ્યુડિસ્યલ મેજિસ્ટ્રેટએ તમામ આરોપીના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ અધિકારીએ રિમાન્ડ અરજીમાં હત્યાના કાવત્રામાં કોણ કોણ સામેલ હતા અને મૃતદેહના નિકાલમાં એકથી વધુ વાહનોનો ઉપયોગ થયો હોવાની રજૂઆત સાથે રિમાન્ડની માંગણી કરતું સોગંદનામુ રજૂ કર્યું હતું.
બે દિવસ પહેલા શેખબાબુ હત્યા કેસમાં PI ધર્મેન્દ્રસિંહ ગોહીલ, PSI દશરથ રબારી, ચાર કોન્સ્ટેબલ પંકજ રાઠોડ, યોગેન્દ્રસિંહ ચૌહાણ, રાજેશ ગડચર અને હિતેશ બાંભણીયા CID ક્રાઇમ સમક્ષ હાજર થતાં એસ.પી. ડો.ગીરીશ પંડ્યાએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. રિમાન્ડ અરજીમાં એપીપી મિત્તલ બુચ હાજર રહ્યાં હતા.
સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે, શેખબાબુને પૂછપરછના બહાને લાવી ટોર્ચર કરવામાં આવ્યાં બાદ તેનું મોત નિપજતાં મૃતદેહને સગેવગે કરી પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો એટલે આ ષડયંત્રમાં અન્ય કેટલા શખ્સ જોડાયેલા છે ? તેની તપાસ કરવાની છે. ક્યાં આરોપીની શુ ભૂમિકા હતી ? તેમજ હત્યામાં ક્યાં હથિયારનો ઉપયોગ થયો હતો ? જેવા અનેક પુરાવાનો નાશ થયો હતો.
જ્યુ.મેજિ.એ તમામ છ આરોપીના 11 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પોલીસ સ્ટેશનના CCTV બંધ કરવામાં આવ્યાં હતા અને શેખબાબુ પોલીસ સ્ટેશનની બહાર ગયા ન હોવા છતાં તેઓ બહાર ગયા હોવાની નોંધ કરવામાં આવી હતી. આ અંગે પણ CID દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.