- વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયરબ્રિગેડમાં ભરતી પ્રક્રિયા શરૂ
- 3 કેડરની જગ્યા માટે 1200 ઉમેદવારની અરજી આવી
- સબ ઓફિસરમાં 21 ક્વોલિફાઇ થયા
વડોદરા : મહાનગર પાલિકા દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડમાં 2 સ્ટેશન ઓફિસર 3 સબ ફાયર ઓફિસર અને 19 ફાયરમેનની જગ્યાઓ માટે સોમવારથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 3 કેડરની જગ્યા માટે 1200 ઉપરાંત ઉમેદવારોના અરજી ફોર્મ આવ્યા હતા. જે પૈકી સ્ટેશન ઓફિસર અને સબ ઓફિસરની જગ્યા માટે આજે 123 ઉમેદવારોએ ભાગ લીધો હતો. ફીઝીકલ પરીક્ષામાં સ્ટેશન ઓફિસરની જગ્યા માટે બે ઉમેદવારો હતા. જે બંને ઉમેદવારો ડીસક્વોલિફાઇ થયા હતા. જ્યારે સબ ઓફિસરમાં 21 ક્વોલિફાઇ થયા હતા.
દોડ, લોંગ જમ્પ, હાઇ જમ્પ સહિતના ટેસ્ટ લેવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડમાં જરૂરી સ્ટાફની ઘટ પુરવા માટે તા.21 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર દરમિયાન ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2 સ્ટેશન ઓફિસર, 3 સબ ઓફિસર અને 19 ફાયર મેનની જગ્યાઓ માટે સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ફીઝીકલ ટેસ્ટ લેવાની શરૂઆત કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયાના પ્રથમ દિવસે સ્ટેશન ઓફિસર અને સબ ઓફિસરની જગ્યા માટે 124 ઉમેદવારો આવ્યા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધિર પટેલ અને ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ટેકનિકલ સ્ટાફ દ્વારા ફીઝીકલ ટેસ્ટ લેવાની શરૂઆત કરવામાં આવી હતી.
ચાર દિવસ ફીઝીકલ ટેસ્ટ લેવામાં આવશે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ.કે.પટેલે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડમાં સ્ટેશન ઓફિસર, સબ ફાયર ઓફિસર અને ફાયરમેનની જગ્યા માટે સોમવારથી સમા સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ફીઝીકલ ટેસ્ટની લેવાની શરૂઆત કરવામાં આવી હતી. ફીઝીકલ ટેસ્ટ પૂર્વે તમામ ઉમેદવારોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે બાદ ટેકનિકલ સ્ટાફની હાજરીમાં 6 મીટર ઉંચાઇ ઉપર દોરડા ઉપર ચઢવાનો, 100 મીટર સ્વિમિંગ સહિતના ફીઝીકલ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે. દોડ, લોંગ જમ્પ, હાઇ જમ્પ સહિતના ટેસ્ટ માંજલપુર સ્પોટ્સ કોમ્પ્લેક્ષ ખાતે લેવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાનું વીડિયોગ્રાફી કરવામાં આવી રહ્યું છે. તા.22 ડિસેમ્બરના રોજ ફાયર મેનની જગ્યા માટે ફીઝીકલ ટેસ્ટ લેવામાં આવશે.