વડોદરા: હાલમાં ચાલી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે રાજ્યમાં પ્રાથમિક શાળાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે, પરંતુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ના રહે અને વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરી વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
જ્યારે શિનોર તાલુકામાં આવેલા કુકસ ગામ જ્યાં એક પણ કંપનીનું મોબાઈલ ટાવર નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઓનલાઈન શિક્ષણ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે રૂચિ હોવાના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે ડિજિટલ યુગમાં કેટલાક કિલોમીટર દૂર ભટકવા મજબૂર બન્યા છે. જેને લઈ ગ્રામજનો દ્વારા કુકસ ગામમાં મોબાઈલ ટાવરની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેથી કુકસ ગામના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ માટે દૂર દૂર ભટકવું ના પડે અને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી શકે.