વડોદરા: વૈશ્વિક મહામારી કોવિડ-19 કોરોનાં વાઈરસને પગલે એક તરફ આમ આદમીની કમર તૂટી છે તો બીજી તરફ વડોદરા શહેરના ગાજરાવાડી ગોમતીપુરા, ગોકુલનગરમાં પીળા રંગનું દુષિત પાણી આવતાં રહીશો તંત્રના પાપે નર્કાગાર જીવન ગુજારવા મજબૂર બન્યા છે.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે કોરોનાં પોઝિટિવ કેસો વધતાં લોકો કોરોના વાઈરસના ભયના ઓથા હેઠળ જીવન ગુજારી રહ્યા છે. આવામાં શહેરના ગાજરાવાડી, ગોમતીપુરા, ગોકુલનગરમાં છેલ્લા 1 મહિનાથી પીળા રંગનું દુષિત પાણી આવતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરઉનાળે પીવાનું ચોખ્ખું પાણી ન મળતાં રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
આ બાબતે વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવતાં શુક્રવારે સ્થાનિકોએ એકત્ર થઈ ભારે સુત્રોચ્ચારો કરી તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પિવાનું ચોખ્ખું પાણી આપવામાં નિષ્ફળ નિવડેલા પાલિકા તંત્રને વેરો માફ કરવા માંગ કરી હતી.