રાજસ્થાનના કોટામાં નવજાત બાળકોના મોતના આંકડાઓને લઈને કોંગ્રેસના માથે માછલાં ધોવાયા બાદ ગુજરાતની સરકારી હોસ્પિટલોના પણ આંકડાઓ ઉડીને આંખે વળગતા કોંગ્રેસે રાજ્ય સરકાર પર વળતો પ્રહાર કરી મુદ્દાને લઈને સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ રૂપે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે.
વડોદરામાં મહિલા કોંગ્રેસ દ્વારા SSG હોસ્પિટલ સ્થિત મેડિકલ સુપરિટેનડેન્ટની કચેરીએ પહોંચી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન યોજ્યા હતા અને તબીબી અધિક્ષક ડૉ. રાજીવ દેવેશ્વરને આવેદનપત્ર પાઠવી હોસ્પિટલમાં કેટલા નવજાત બાળકોના એક વર્ષમાં મોત નિપજ્યા તેની માહિતી માંગી હતી. ડૉ. રાજીવ દેવેશ્વરએ પોતે સરકારને રિપોર્ટ આપતા હોવાનું જણાવી આંકડા આપ્યા ન હતા.
જ્યારે બીજી તરફ SSG હોસ્પિટલના મેડિકલ સુપરિટેનડેન્ટ રાજીવ દેવેશ્વરને વડોદરામાં એક વર્ષમાં નવજાત બાળકોનો મૃત્યુ આંક શુ છે અને કોંગ્રેસની રજૂઆત મામલે તેઓની શું પ્રતિક્રિયા છે. તેવો સવાલ પુછાતા તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા.