વડોદરા: આગામી ભાદરવા મહિનામાં આવી રહેલા ગણેશોત્સવ પૂર્વે વડોદરા પોલીસનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં નવ ફૂટ થી ઊંચી ગણેશજીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેને લઈ મૂર્તિકાર અને ગણેશ મંડળોમાં ભારે નારાજગી વ્યાપી હતી. આ જાહેરનામને લઈ ગણેશ મંડળના પ્રતિનિધિઓ દ્વારા શહેર ભાજપ અધ્યક્ષને રજુઆત પણ કરવામાં આવી હતી. આ જાહેરનામું લેટ હોવાનું અને રદ કરવા બાબતે રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્યદંડક બાળકૃષ્ણ શુક્લએ રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે.
શુ છે પોલીસ વિભાગનું જાહેરનામું: ગણેશોત્સવને લઈ વડોદરા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત નવ ફૂટથી વધુ ના હોવી જોઈએ. સાથે જો પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી અથવા તો ફાયબરની મૂર્તિ હોય તો બેઠક સહિત તેની સાઈઝ પાંચ ફૂટથી વધુ ના હોવી જોઈએ. વિસર્જન સમયે મંડળના જેટલા પ્રતિનિધિ કે લોકોને પાસ ઈશ્યુ કર્યા હશે, તેટલા લોકો જ વિસર્જન સ્થળ સુધી જવાની મંજૂરી મળી શકશે. વેચાણ ના થતું હોય અથવા તો ખંડિત થઈ હોય તેવી પ્રતિમાઓને બિનવારસી મૂકવી નહીં. ફાયબરની મૂર્તિ કે કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવવા બદલ. જો આ નિયમોનો ભંગ કરવામાં આવશે, તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામુ બહાર પાડવામાં આવે છે.
જાહેરનામું મોકૂફ રાખવા માટે પત્ર: આ અંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ રાજ્યના ગૃહ પ્રધાન સંઘવીને સંબોધીને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં લખ્યું છે કે આવનાર તારીખ 19/09/ 23 ના રોજ ગણેશ મહોત્સવ પ્રસંગે ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપન થનાર છે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલું જાહેરનામું ગણેશજીની મૂર્તિ નવ ફૂટથી વધારે ઊંચાઈ ઉપર પ્રતિબંધ ફરમાવે છે. આ સંબંધમાં મૂર્તિકારોએ મૂર્તિઓ બનાવી દીધા બાદ જાહેરનામું પ્રચિદ્ધ થવાથી મૂર્તિકારો અને ગણેશ મંડળો મૂંઝવણમાં મુકાયા છે. અને તેનાથી લોકોમાં વ્યાપક અસંતુષ્ટનો વાતાવરણ છે. આથી આ સંજોગોમાં વડોદરા પોલીસ કમિશનર તરફથી જાહેર કરાયેલ જાહેરનામું મોડું પડેલ હોવાથી આ વર્ષે પૂરતું જાહેરનામાનો અમલ મોકૂફ રાખવા મારી ભલામણ છે તેઓ તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
જાહેરનામું રદ કરવા ભલામણ: આ જાહેરનામને લઈ શહેરમાં ગણેશોત્સવ સાથે સંકળાયેલા આયોજકો અને મૂર્તિકારોમા ભારે નિરાશા વ્યાપી હતી. તેઓનું કહેવું છે કે આ દર વર્ષેની સમસ્યા છે. જાહેરનામનો કોઈ વિરોધ નથી પરંતુ, યોગ્ય સમયે બહાર પડવું જોઈએ. આ જાહેરનામને લઈ ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહને ગણેશ મંડળ આયોજકો દ્વારા રજુઆત કરાઈ હતી અને આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ પત્ર લખી આ જાહેરનામું રદ કરવા ભલામણ કરી છે.