વડોદરાઃ વડોદરામાં લોકડાઉન દરમિયાન ફ્રિઝ રિપેરીંગના બહાને ઘરમાં પ્રવેશ કરી વૃધ્ધાનું મોઢું દબાવી પહેરેલા દાગીનાની લૂંટ ચલાવનારા લૂંટારુંને સોસાયટીના રહીશોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.
લોકડાઉનમાં વડોદરાના આજવા રોડ પર આવેલી ભુવનેશ્વરી સોસાયટીમાં લૂંટનો બનાવ બન્યો હતો. ફ્રિઝ રિપેરિંગના બહાને વૃદ્ધાના ઘરમાં લૂંટારૂ ઘૂસી વૃદ્ધાનું મોઢું દબાવી સોનાની ચેઈન, પેન્ડલ અને વીટીની લૂંટ ચલાવી ફરાર થયો હતો. તે દરમિયાન વૃદ્ધાએ બૂમાબૂમ કરતા સોસાયટીના લોકોએ લૂંટારૂને પકડી પાડી પોલીસને હવાલે કરી દીધો હતો.
લૂંટનો ભોગ બનનાર વૃદ્ધાએ જણાવ્યું હતું કે, ફ્રિજ સાફ કરવા માટે રૂમાલ મંગાવી તેનાથી જ મોઢું દબાવી રૂમમાં લઈ ગયો હતો. બાદ સોનાની ચેઈન, પેન્ડલ અને હાથની વીટીની લૂંટ ચલાવી નાસી જતા વૃધ્ધાએ બૂમાબૂમ કરતા નીચેની મહિલા અને સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને લૂંટારૂને ઝડપી પાડ્યો હતો.