વડોદરાઃ સંસ્કારીનગરી તરીકે ઓળખાતા વડોદરા પર એક કલંક લાગ્યું છે. કારણ કે, અહીં રાજ્યનો સૌથી લાંબો ફ્લાયઑવર બ્રિજ તૈયાર કરાયો હતો, જેનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. આ બ્રિજનું ઉદ્ઘાટન સમયમર્યાદા કરતા 2 વર્ષ મોડું થયું હતું. ત્યારે હવે આજે માત્ર દોઢ મહિનાના સમયગાળાની અંદર જ આ બ્રિજ પર ઠેરઠેર ગાબડાં પડી ગયાં છે. ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમ બનાવી તપાસ કરવા અને હલકી ગુણવત્તાવાળું કામ કરનારા કોન્ટ્રાક્ટર તેમ જ પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો Government of Gujarat: રાજકોટમાં સીએમના હસ્તે રૂપિયા 140 કરોડના વિવિધ વિકાસના કામોનું ઇ લોકાર્પણ
ગણતરીના દિવસોમાં ગાબડાઃ વિશ્વામિત્રી બચાવો સમિતિએ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, હજી દોઢ મહિના પહેલાં જ રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ સમયમર્યાદા કરતાં મોડો એટલે કે 5 વર્ષે કામગીરી પૂરી કરાયો હતો. બ્રિજની કામગીરી દરમિયાન અડધા ઉપર રોડ બંધ કરીને સીમિત જગ્યાએ અવરજવર કરવામાં વડોદરાના નાગરિકોને ખૂબ યાતનાઓ વેઠવી પડી હતી. અટલ બ્રિજ કાર્યરત્ થયાને ગણતરીના દિવસોમાં રોડ પર ગાબડાં પડી ગયાં છે.
હલકી ગુણવત્તાનું કામ કરાયાનો આક્ષેપઃ ખાસ કરીને બેન્કર્સ હોસ્પિટલ કે, જગદીશ ફરસાણની સામે ગેન્ડા સર્કલથી મનીષા ચોકડી તરફ જતા રોડ પર ગાબડું પડ્યું છે. આ ઉખડી ગયેલો રોડ જોતાં સ્પષ્ટ જણાય છે કે, રોડ બનાવવામાં વપરાતા ચોક્કસ ગ્રેડના ડામરની અત્યંત ઓછી માત્રા ઉપયોગમાં લેવાઈ છે કે, હલકી કક્ષાનો ઈમ્પોર્ટેડ ચાઈનીઝ ડામરનો ઉપયોગ કર્યો છે. રજૂઆતમાં એમ પણ કહ્યું છે કે, ફ્લાયઑવરબ્રિજના બાંધકામમાં રાજ્ય સરકારનો મોટો ફાળો રહ્યો છે.
ભ્રષ્ટાચારની તપાસઃ આ બ્રિજના નિર્માણમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ સ્ટેટ વિજિલન્સની સંયુક્ત ટીમ બનાવીને કરવા તેમજ બ્રિજ બનાવતી વખતે વડોદરા કોર્પોરેશનના જે ઈજનેરોને આ બ્રિજની ગુણવત્તાની ચકાસણી કરવાની મહત્તમ જવાબદારી હતી તેમની પર કડક કાર્યવાહી કરવાની સાથે પાલિકા મોટી રકમ ચૂકવીને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાવે છે, પરંતુ તેઓ પાલિકાના ઈજનેરો સાથે સાંઠગાંઠ કરીને સારી ગુણવત્તાના ખોટા પ્રમાણપત્રો આપ્યા હોય તો તેની પણ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.
થોડું કામ બાકી હોવાનું તંત્રનું કહેવું છેઃ આ અંગે સ્થાયી સમિતિના ચેરમેનને જણાવ્યું હતું કે, આપ જે વાત કરો છો અટલબ્રિજની એ અટલબ્રિજ ખૂબ લોકઉપયોગી બની ગયો છે અને બનતો જ રહેશે. આ બ્રિજ ઉપર અત્યારે હાલમાં જે આપ બતાવો છો એ નાનામોટા પેચમાં આ વિસય થયો છે, છતાં હજી એના ઉપર હજુ પણ સિલકોટ અને અન્ય કામ બાકી છે એ 3મહિનાની આસપાસ બાદ કરવાના છે એટલે કોન્ટ્રાક્ટર ના ઇજારામા કોપ માં જ છે એટલે કોઈ ચિંતા નું કારણ નથી
કામ બાકી છતાં ઉદ્ઘાટન થઈ ગયુંઃ જ્યારે આ અંગે રાહદારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2019થી જ આ બ્રિજ બનવાનો શરૂ થયો ત્યારબાદ 25 ડિસેમ્બરે આનું ઉદ્ઘાટન થયું હતું. પરંતુ આ બ્રિજની અંદર ઘણી કામગીરી કરવાની બાકી છે. ડામરનું કામ હાલમાં ચાલી રહ્યું છે. કલરનું કામ ચાલી રહ્યું છે. પ્લમ્બિંગનું કામ બાકી છે. તમામ સર્કલોના કામ બાકી છે છતાં પણ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વડોદરા કોરોપ્રેસન 222 કરોડ આ બ્રિજ બનવ્યો છે અને હજુ 30 કરોડ નો હજુ ખર્ચો કરવાના છે. આ 30 કરોડ નાગરિકોના વેરામાંથી વાપર્યા હોય તો સારી સુવિધા મળવી જોઈએ, પરંતુ હજી તો 40 દિવસ થયા છે અને આ બ્રિજમાં ખાડા પડી ગયા છે. પેચવર્ક કરવાની નોબત આવતી હોય તો આ બ્રિજની અંદર ભ્રષ્ટાચાર થયો છે.
આ પણ વાંચો અંબાજીમાં ગિરિમાળાના પથ્થરો પર 20 દિવસ સુધી જોવા મળશે શિલ્પ કારીગરી, શિલ્પ સંગમનો કરાયો પ્રારંભ
દુઃખની વાત છેઃ જ્યારે અન્ય એક રાહદારીએ જણાવ્યું હતું કે, વડોદરામાં આપડે જોઈ રહ્યા છે. ક્યાંકને ક્યાંક ગમે ત્યારે ગાબડાં પડે આ ખરેખર વિકાસનું ગાબડું કહેવાય અને જો વિકાસના પંથમાં ગાબડાં પડતા હોય તો આ પ્રકારનો વિકાસ ગુજરાતીઓએ ક્યારે જોયો નથી. ને જોવા માગતા નથી. જ્યારે પણ કોઈ નવનિર્માણ થઇ રહ્યું હોય તો સરકારમાં બેઠેલા કોઈ પણ અધિકારીઓ હોય સરકાર જે પ્રતિનિધિઓ છે. તે પ્રજાના પ્રધિનિધિઓ છે. એ આ બાબતે ચોકસાઈ રાખવાની જરૂર છે અને આવા કામોમાં ખરેખર શાસક પક્ષ નહીં પણ વિપક્ષના લોકોને પણ સાથે રાખીને ચાલવાનો આવે તો એક એક સારું કાર્ય થઇ શકશે. આજે પ્રજાના કરોડો રૂપિયા બનેલી જગ્યા પ્રજાના પૈસે બનેલો બ્રિજ જો આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય કે, જેમાં પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું હોવાથી તો આ ખૂબ જ દુઃખની વાત છે.