- SSG હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા લાંબી કતારો
- અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા નાગરિકોમાં ભયનો માહોલ
- SSG હોસ્પિટલમાં 70 ટકા બેડ ખાલી
વડોદરા : સમગ્ર વિશ્વમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. જે કારણે સમગ્ર ભારતમાં માર્ચ મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જે બાદ ધીરે ધીરે છૂટછાટ આપવામાં આવી હતી. દિવાળી વેકેશનમાં બધું ખુલ્લું મૂકી દેતા કોરોના સંક્રમણમાં ભયજનક વધારો થયો હતો.
સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા લોકોની લાગી કતાર
ગત બે-ત્રણ દિવસથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતા શનિવાર અને રવિવારે અમદાવાદમાં કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે
વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. ત્યારે તંત્ર પણ સજ્જ બન્યું છે. સયાજી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાવવા મોટી સંખ્યામાં લોકોની લાંબી કતારો લાગી છે. SSG હોસ્પિટલના કોવિડ કેરના એડમિનિસ્ટ્રેટિવ નોડલ ઓફિસર ડૉક્ટર બેલીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ચાર-પાંચ દિવસમાં કોરોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.
કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો તેને પહોંચી વળવા તંત્ર સજ્જ
SSG હોસ્પિટલ તેમજ ગોત્રી હોસ્પિટલમાં પૂરતા બેડની સુવિધા છે. કુલ 570 બેડ છે જેમાંથી 440 ખાલી છે. ICUમાં 100 બેડ જેમાંથી 60 બેડ ખાલી છે. જરૂર જણાય તો દર્દીને દાખલ કરવામાં આવે છે. બાકીના દર્દીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે. ભવિષ્યમાં જો કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો તેને પહોંચી વળવા તંત્ર સજ્જ છે.