વડોદરા : જો તમે પણ કામવાળી રાખતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે કામવાળી ઘરકામ સાથે તમને ફસાવી શકે છે. આવો જ કિસ્સો શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામે આવ્યો છે. શહેરમાં ઘરમાં કામ કરતી મહિલા સહિત 4 શખ્સોએ ખોટા રેપ ફસાવી દેવાની ધમકી આપીને સિનિયર સિટીઝન પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરીને 50 હજાર પડાવ્યાં હતાં. આ મામલે સિનિયર સિટીઝને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે પૈકી એક મહિલાની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે.
સિનિયર સિટીઝનની ફરિયાદના આધારે આરોપી મહિલાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે...આર. જી. જાડેજા(ફતેગંજ પો. સ્ટે. પીઆઈ )
એકલતાનો લાભ લઈ ફસાવ્યાં : શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતા 76 વર્ષીય સિનિયર સીટીઝન એકલવાયું જીવન જીવી રહ્યા છે અને તેઓએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, પોતાનો પુત્ર આબુધાબીમાં રહે છે અને પત્નીનું મૃત્યુ થયું છે. મારે ત્યાં કામ કરતા બેન બિમાર હોવાથી મારા ઘરનું કામ છોડી દીધુ હતું. જેથી મેં પેપરમાં જાહેરાત આપી હતી કે, ઘરકામ માટે એક બેન જોઇએ છે. જો કે, આ દરમિયાન મારે ત્યાં કામ કરતા જૂના બેન કામ માટે પરત આવી ગયા હતા. જો કે, પેપરમાં જાહેરાત જોઇને થોડા દિવસ પછી શહેનાઝબેન મારા ઘરે આવ્યા હતા. મારે ઘરે જૂના બેન કામ કરતા હોવાથી મેં કામ માટે ના પાડી હતી. શહેનાઝબેન તેમનો મોબાઇલ નંબર આપીને ગયા હતાં અને મને કહ્યું હતું કે ક્યારેક કામ હોય તો તમે મને કહેજો.
છેડતી કરી હોવાના આક્ષેપ કર્યા : થોડા દિવસો બાદ મારે ત્યાં કામ કરતા બેન બિમાર થયા હતાં. જેથી મેં કામ માટે શહેનાઝબેનને ઘરકામ માટે જણાવ્યું હતું. 13 જૂનના રોજ બપોરે પોણા ત્રણ વાગ્યે ઉપરાછાપરી ડોરબેલ વાગતા મેં દરવાજો ખોલ્યો હતો. આ સમયે ત્યાં 2 મહિલાઓ અને એક પુરુષ હાજર હતા. તેઓએ મને કહ્યું હતું કે, તમારા ઘરમાં જે બેન છે તેમને બોલાવો. આ દરમિયાન અગાઉથી મારા ઘરમાં કામ માટે આવેલ શહેનાઝ લેંગીસ કાઢી નાખેલી હાલતમાં આવી હતી અને શહેનાઝે આવેલા માણસોને કહ્યું હતું કે, મેં તેની છેડતી અને ખરાબ કામ કરેલ છે. તેવા ખોટા આક્ષેપો કર્યાં હતાં.
10 લાખની માંગણી કરી : બહારથી આવેલ લોકોએ આક્ષેપ કરી મને બદનામ કરવાની ધમકી આપી હતી. તેઓ ઘરકામના બહાને પર સ્ત્રી સાથે ખોટા કામ કરો છો તેવું કહી આક્ષેપો કર્યા હતા. સિનિયર સિટીઝને ખૂબ સમજાવ્યા પરંતુ તેઓ ખોટો કેસ કરી બદનામ કરવાની ધમકી આપી હતી. જો આ બહાર ન ખબર પડે તેના માટે 10 લાખ રૂપિયા આપવા પડશે તેવી રીતે બ્લેકમેલ કરતા હતા. પરંતુ મેં નાણાં આપવાની સ્પષ્ટ ના પાડી હતી. જેથી ચારેય જણાએ દોઢ લાખ રૂપિયા માંગણી કરી હતી.
50 હજાર પડાવ્યા : સિનિયર સીટીઝન પાસે વધુ પૈસા ન હોવાથી તેઓની પાસે રહેલ 50 હજાર રૂપિયા બળબજરીથી કઢાવીને તેઓ જતા રહ્યા હતા. આ આવેલા આરોપીઓમાં વિરેન, મહિલા ટ્વિકન્લ અને રાગીણી હોવાનું તેમની વાતચીત પરથી જાણવા મળ્યું હતું. ત્યારબાદ બીજા જ દિવસે ફરીથી આવી રૂપિયાની માંગણી કરી હતી. દરમ્યાન પોતાનો મિત્ર ઘરે હજાર હતો જેથી તેઓ પરત ફર્યા હતા. ત્યારબાદ અરવિંદબાગ ખાતે બે મહિલાઓ આવી રૂપિયાની ઉઘરાણી કરવા માટે આવી હતી.
એકની ધરપકડ કરવામાં આવી : રૂપિયા 50 હજાર લઇ ગયા પછી પણ અવારનવાર રૂપિયાની માંગણી કરતા આખરે સિનિયર સીટીઝન દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી છે. જે પૈકી શહેનાઝબેન મોયુદીનશા સિકંદરશા દીવાન (ઉ.વર્ષ 40 ,રહે. બી/4 શ્રેયસ એપાર્ટમેન્ટ ફોર પોઇન્ટ હોટલની બાજુમાં, મંગળકીર્તિ એપાર્ટમેન્ટ સામે ફતેગંજ) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.